Vadodara

વડોદરા શહેરમાં ભક્તિમય વાતાવરણમાં 43મી રથયાત્રા નિકળી..

HTML Button Generator

પોણા ત્રણ વાગ્યે મેયરે પહિંદ વિધિ કરી તેઓ સાથે રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં

રથયાત્રા સાથે સાથે ઉંટગાડી, ઘોડાગાડીઓમા ભજન મંડળની મહિલાઓ તથા બાળકો જોડાયા

આજે વડોદરામાં 43મી રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં જય જગન્નાથ ના નાદ સાથે રેલવે સ્ટેશન ખાતેથી નિકળી હતી જેમાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર જોવા મળ્યું હતું.

આજે વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ બીજ સાથે જ રવિવારે ભગવાન જગન્નાથજીની 43 મી રથયાત્રા વડોદરામાં ભારે ઉલ્લાસભેર ભક્તિમય વાતાવરણમાં શહેરના રેલવે સ્ટેશનથી ત્રણ વાગ્યે નિકળી હતી તે અગાઉ રવિવારે વહેલી સવારે ભગવાન જગન્નાથજીના નિજ મંદિરના કપાટ 15 દિવસ બાદ સવારે ખોલવામાં આવ્યા હતા.સવારે ભગવાન જગન્નાથજીના સ્નાન બાદ મંગળા આરતી કરવામાં આવી હતી વહેલી સવારથી જ શહેરના ગોત્રીરોડ હરિનગર ચારરસ્તા નજીકના અદભૂત શણગારથી સજ્જ ઇસ્કોન મંદિર ખાતે ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા હતા. શનિવારે રાત્રે જ ભગવાન જગન્નાથજીના રથને રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. બપોરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામજી ની કાષ્ઠની મૂર્તિઓના શૃંગાર આરતી કર્યા બાદ નિજ મંદિરથી ગાડીઓમાં બપોરે અઢી કલાકે રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને રથમાં આરૂઢ કરવામાં આવ્યા હતા. અહીં બપોરે 1 વાગ્યાથી જ ભક્તોના આવવાની શરૂઆત થઇ ગઇ હતી જ્યારે ટ્રાફિક પોલીસ અને પોલીસ તથા એસ આર પી.એફ ની ટૂકડીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ભગવાન જગન્નાથજીના રથનું પોલીસે ડોગ સ્કોવોડ તથા મેટલ ડિટેક્ટરથી ચકાસણી કરવામાં આવી હતી. બપોરથી રેલવે સ્ટેશ, કાલાઘોડા તરફના વાહનવ્યવહાર ને ડાયવર્ટ કરાવી દેવામાં આવ્યો હતો. બપોરે પોણા ત્રણ કલાકે શહેરના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની, સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી ,વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ,ડેપ્યુટી મેયર, દંડક શૈલેષભાઇ પાટીલ સહિતના રાજકીય આગેવાનો અહીં આવી પહોંચ્યા હતા જ્યાં મેયરે પહિંદ વિધિ એટલે કે રથયાત્રા માર્ગની સફાઇ સુવર્ણ ઝાડુથી કરી હતી. અહીં તમામ રાજકીય આગેવાનો, ધાર્મિક સંતો, સામાજિક અગ્રણીઓએ ભગવાન જગન્નાથજીની આરતી દર્શન કર્યાં હતાં ત્યારબાદ ભગવાન જગન્નાથજી પોતાના ભાઇ બલરામજી, બહેન સુભદ્રાજી સાથે રથમાં આરૂઢ થઇ નગરચર્યાયે નિકળ્યા હતાં.’જય જગન્નાથ’ તથા ‘હરે કૃષ્ણના’ ભજન, જયકારા વચ્ચે રથ નિકળ્યો હતો. ઇસ્કોન મંદિરના ઉપપ્રમુખ નિત્યાનંદ સ્વામી દ્વારા સમગ્ર રથયાત્રા માર્ગમાં ભક્તો તથા સ્વયંસેવકોને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવતી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઘોડાગાડીઓમા બાળકો તથા ઉંટગાડી માં મહિલાઓની ભજન મંડળીઓ સાથે સાથે રથની આગળ ઇસ્કોન મંદિરની ભજન મંડળીઓ દ્વારા ભગવાન જગન્નાથજીના ભજનોની રમઝટ સાથે રથયાત્રા આગળ વધી હતી. પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા તથા વિવિધ જગ્યાએ ધાબા પોઇન્ટ્સ થી નજર રાખવામાં આવી રહી હતી સાથે જ રથયાત્રા માર્ગ પર પોલીસ અને એસ આર.પી.ની ટુકડીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રથયાત્રા સ્ટેશનથી નિકળી હતી અને કમાટીબાગ, કાલાઘોડા થી આરાધના સિનેમા થઇ કોઠી ચારરસ્તા પહોંચી હતી જ્યાં ઠેરઠેર રથયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોઠી ચારરસ્તા ખાતે વેપારીઓ દ્વારા તો આગળ ખાદી ભંડાર ખાતે વડોદરા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડિયા તરફથી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા ટાવર રાવપુરા રોડથી ભજનની રમઝટ, જય જગન્નાથજીના નાદ વચ્ચે આગળ વધી હતી શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના રથને ખેંચી ધન્યતા અનુભવી રહ્યાં હતાં. શ્રધ્ધાળુઓ માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં ગોપાલભાઇ શાહ તરફથી 35ટન શુધ્ધ ઘીમાંથી બનેલ શીરાની પ્રસાદી સાથે સાથે 20 હજાર કિલો પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા ની પાછળ પાછળ વિધ્યાર્થી સંગઠનો દ્વારા તથા વડોદરા મહાનગરપાલિકાના સફાઇસેવકો દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા સાથે નિકળેલી આ 43મી રથયાત્રામાં આજે રવિવારે રજા પણ હોઇ શ્રધ્ધાળુઓનુ જાણે ઘોડાપુર ઉમટ્યુ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. રથયાત્રા જ્યુબેલીબાગ થઇ પદ્માવતી શોપિંગ સેન્ટર, લહેરીપુરા ગેટ કોર્ટ થઇ લાલકોર્ટ થી મદનઝાંપા રોડ, સુરસાગર થઇ દાંડિયાબજાર થી આગળ વધી હતી. ઠેરઠેર લોકો દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં. મદનઝાંપા રોડથી આગળ પત્થરગેટ થઇ કેવડાબાગ થી આગળ બગીખાના આગળ બરોડા હાઇસ્કુલ પાસે રાત્રે 8કલાકે રથયાત્રા વિશ્રામ લેશે.સાંજે 5 કલાકથી ઇસ્કોન મંદિરમાં જાહેર મહાપ્રસાદીનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રધ્ધાળુઓ લાભ લેશે.

Most Popular

To Top