પાલિકાની તંત્રની નિષ્ક્રિયતાને કારણે કારેલીબાગ વિસ્તારમાં એક મહિના બાદ પણ ભૂવાનુ યોગ્ય પૂરાણ બાકી
શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.75કરોડના ખર્ચે બનાવેલ સાયકલટ્રેક રૂટપર રોડમા નવો ભૂવો આકાર પામ્યો..
વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ શહેરના રોડમા ભૂવાઓ, ખાડાઓનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જ્યારે બીજી તરફ સ્માર્ટ પાલિકા તંત્રની નિષ્ક્રિયતા પણ સામે આવી છે જેમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરગના દવાખાના નજીક છેલ્લા એક મહિના પહેલાં પડેલા ભૂવાનુ યોગ્ય રીતે પૂરાણ ન કરાતાં લોકો માટે જોખમી બન્યો છે.
શહેરમાં ગત સોમવારે પ્રાકૃતિક આપદા સાથે સાથે માનવસર્જિત આપદાને કારણે ત્રણ દિવસ સુધી સમગ્ર વડોદરા જળમગ્ન બની ગયું હતું જેના કારણે શહેરમાં લોકોના મકાનો, દુકાનો, ઓફિસોમાં ઘરવખરી, ફર્નિચર, વીજ ઉપકરણો, વાળ/કોલેજોના પુસ્તકો, સ્ટેશનરી સહિત વાહનોને મોટું નુકસાન થયું છે. બીજી તરફ પૂરના ચાર દિવસ બાદ શહેરમાં વરસાદી પૂરના પાણી ઓસરી ગયા છે પરંતુ ત્યારબાદ ની સ્થિતિ વધુ ભયાવહ જોવા મળી રહી છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા વાઘોડિયારોડ ખાતે ગત વર્ષ-2023માં તે વખતના સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલ દ્વારા અંદાજે રૂ. 1.75કરોડના ખર્ચે સાયકલટ્રેક તૈયાર કરવામાં આવ્યો હતો તે સાયકલટ્રેક રૂટપર આવેલા ઉમા ચારરસ્તા ખાતે નવો ભૂવો પડી રહ્યો છે. હજી ભૂવો નાનો છે જે ધીમે ધીમે મોટો બનતો જાય છે પરંતુ અહીં સ્થાનિક કાઉન્સિલરો કે પાલિકાના અધિકારીઓ ની જાણે નજર જ નથી પડી રહી અહીં કોઇપણ પ્રકારના બેરિકેટીંગ કરવામાં કે આડાશ ઉભી કરવામાં આવી નથી જેના કારણે રાત્રે અથવાતો વરસાદી પાણી ભરાશે ત્યારે અચાનક વાહનદારીઓ કે રાહદારીઓ અથવાતો મૂંગા પશુઓ માટે જોખમી બની શકે છે. શહેરમાં અવારનવાર વિવિધ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યાં છે જે સિલસિલો યથાવત છે.
બીજી તરફ સ્માર્ટ વડોદરા મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે આવી છે જેમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ચેપીરગના દવાખાના નજીકના સાધનાનગર રોડ ખાતે એકાદ મહિના પહેલાં ભૂવો પડ્યો હતો જેનું એક મહિના બાદ પણ પાલિકા તંત્ર દ્વારા યોગ્ય પૂરાણ કર્યું નથી. અહીં સ્થાનિક લોકોએ માટી, રોડાથી હંગામી ધોરણે પૂરાણ કર્યું હતું અને પાલિકા તંત્રને રજૂઆત કરતાં પાલિકા તંત્ર દ્વારા ભૂવા ફરતે બેરિકેડ લગાડી પટ્ટીઓ લગાવી ફક્ત દેખાડો જ કર્યો છે. સદનસીબે આ રોડપર પૂરના પાણી ઓછા હોય અહીંથી પસાર થતાં લોકોનો આબાદ બચાવ થયો છે. પાલિકા તંત્ર દ્વારા શું કોઇ દુર્ઘટના બનશે ત્યારબાદ આવા જોખમી ભૂવાઓ, ખાડાઓની કામગીરી કરવામાં આવશે તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યા છે.