શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પણ તંત્રના પાપે હજી નવાબજાર રોકડનાથ મંદિર વિસ્તારમાં પાણી ન ઓસરતા વેપારીઓને મોટું નુકસાન
પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવા છતાં અહીંની દુર્દશાને કારણે પૌરાણિક રોકડનાથ મંદિરે ભક્તોની જૂજ ઉપસ્થિતિ..
વારંવાર ફોન કરવા છતાં કોઇ નેતા, કાઉન્સિલરો કે અધિકારીઓ ફર્કયા નથી..
શહેરમાં કુદરતી અને મહદઅંશે માનવસર્જિત પૂરની પરિસ્થિતિ ઉદભવી હતી સમગ્ર વડોદરા જળમગ્ન બની ગયું હતું. શહેરમાં ત્રણ દિવસ ભયંકર પૂરે તારાજી સર્જી છે. ચોથા દિવસથી શહેરમાં પૂરના પાણી ઓસરવાનુ શરૂ થયું હતું અને લગભગ વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટતા હવે ઠેરઠેર પાણી ઓસરી ગયા છે પરંતુ શહેરના મુખ્ય સ્ટ્રીટ બજારોમાંના એક એવા નવાબજારમા હજી છ દિવસ બાદ પણ પૂરના પાણી તંત્રના પાપે ઓસર્યા નથી. અહીં વેપારીઓની દુકાનો પાણીમાં ગરકાવ થતાં નુકશાન થયું હતું પરંતુ હજી પૂરના પાણી આ વિસ્તારમાં નિકાલ ન થતાં કોઇ ઘરાકી આવતી નથી અહીં ગણેશજીની પ્રતિમાઓ તૈયાર થાય છે તેને પણ મોટું નુકસાન થયું છે. બીજી તરફ આ વિસ્તારમાં પૌરાણિક રોકડનાથ હનુમાનજી મંદિર આવેલું છે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે પરંતુ આ વિસ્તારની પરિસ્થિતિ ને કારણે ભક્તો દર્શને આવી શકતા નથી જેના કારણે સવારથી જૂજ ભક્તો જ દર્શન માટે આવ્યા છે. સ્થાનિક વેપારીઓના આક્ષેપો અનુસાર અહીં કોઇ નેતા, કાઉન્સિલરો કે પાલિકાના અધિકારીઓ વારંવાર ફોન કરવા છતાં ફરક્યા નથી. સફાઇ માટે ફોન કરતાં વોર્ડમથી ઉદ્ધત જવાબ આપવામાં આવે છે. અહીં પાણીનો નિકાલ નથી થયો ના સફાઇ થઇ નથી જેના કારણે ઘરાકો આવતા નથી અને વેપારીઓને મોટું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. સમગ્ર વડોદરામાંથી પૂરના પાણી ઓસરી ગયા છે પરંતુ નફ્ફટ નેતાઓ, શાસકોના કારણે આ વિસ્તારમાં હજી સ્થિતિ સુધરી નથી.