દક્ષિણ ગુજરાત સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
વડોદરામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, પૂર્વ વિસ્તારમાં કેટલીક સ્કુલોમાં બાળકોને છોડી દેવામાં આવ્યા તો કેટલાક વાલીઓ પોતાના બાળકોને શાળાએથી લઇ આવ્યા.
વડોદરામાં લાંબા સમય બાદ ગત 22જુલાઇ થી હળવો વરસાદ શરૂ થયો હતો ગતરોજ પણ હળવો વરસાદ પડ્યો હતો જે આખી રાત પડ્યો હતો પરંતુ બુધવારે સવારથી જ શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં ઠેરઠેર પાણી ભરાયા હતા શહેરના લહેરીપુરા દરવાજા થી માંડવી, રાવપુરા મુખ્ય રોડ, માંજલપુર, કારેલીબાગ જલારામનગર, પૂર્વ વિસ્તારમાં રંગ વાટિકા, વૈકુંઠ સોસાયટી, પ્રભુનગર સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં ચાર કલાકમાં જ પાણી ભરાઇ જતાં દુકાનો, મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. પૂર્વ વિસ્તારમાં વરસાદને પગલે કેટલીક શાળાઓમાં વિધ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી તો કેટલીક શાળાઓમાં વિધ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા તો બીજી તરફ કેટલાક વાલીઓ શાળામાંથી પોતાના બાળકોને લેવા માટે પહોંચી ગયા હતા. શહેરમાં સવારથી ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા તંત્રની પ્રિમોન્સુનની કામગીરી અંગેની પોલ ખુલ્લી પડી હતી. વરસાદની પાણી ભરાવાથી શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલવે ગરનાળામા પાણી ભરાઇ જતાં વાહનો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.શહેરમાં ઠેરઠેર પાણી ભરાતા સવારે નોકરી ધંધા પર જનારા લોકોના વાહનો ખોટકાતા વાહનચાલકો પરેશાન થયા હતા.