
જીએસએફસી વિસ્તારમાં નવી પાણી લાઈનના કામ અંતિમ તબક્કે, મ્યુનિસિપલ કમિશનરે કર્યું સ્થળ પર નિરીક્ષણ, દસ લાખ નાગરિકોને મળી શકે રાહત

વડોદરા શહેરના મોટો વિસ્તાર ધરાવતા જી.એસ.એફ.સી.ના ગેટ સામે જૂની પાણીની નલિકા બદલવાની કામગીરી છેલ્લા 24 કલાકથી ચાલી રહી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી માટે શટડાઉન વ્યવસ્થા અમલમાં રાખતા અંદાજે દસ લાખ નગરજનોને પાણી વિના દિવસ પસાર કરવો પડ્યો હતો.
બુધવારના રોજ મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર આવ્યા હતા અને સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ પાલિકા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ ઈજનેરો પાસેથી કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી. આ કામગીરી દરમ્યાન સ્થાનિક નગરસેવકો તથા કોંગ્રેસ અને ભાજપના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
શહેરના રહેવાસીઓ હવે આ કામગીરી પુર્ણ થતા પાણી વિના કંટાળાજનક દિવસોને ભૂલી અને આગામી દિવસોમાં વધુ સારી તેમજ પૂરતી પાણી વ્યવસ્થાની આશા રાખી રહ્યા છે.
જૂની પાણીની લાઇન બેસી ગઈ હોવાથી શહેરના કેટલાક નવા વિસ્તારો અને નેશનલ હાઈવેના બ્રિજને પણ નુકસાન થવાની શક્યતા હતી. આ સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) સાથે સમન્વય સાધી નળી બદલવાની કામગીરી હાથ ધરાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, “પાણીની અગાઉની લાઈનો રોડ માં અંદર બેસી જવાથી પાણી વિતરણમાં અવરોધ હતો સાથી સાથે, નેશનલ હાઇવેના સ્ટ્રક્ચર પર પણ ખરાબ અસર પડી રહી હતી. હવે નવીન નલિકાને જોડવાની કામગીરી પૂર્ણ થઈ રહી છે અને આજે સાંજ સુધીમાં સામાન્ય પાણી વિતરણ પુનઃ શરૂ થઇ જશે.”
અનુમાન કરવામા આવે છે કે આશરે રાત્રિ સુધી શહેરની મોટાભાગના વિસ્તારોમાં પાણીની વ્યવસ્થા પાટા પર આવી જશે. નવી પાઇપલાઇન દ્વારા સમસ્યાઓ દૂર થવાના હેતુથી જ હાથ ધરાયેલું આ કાર્ય આગામી વર્ષો સુધી શહેરના પાણી વિતરણ માં સુધારો લાવશે.