ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વરષી લવકરિયા… શહેરના ચારેય ઝોનના કૃત્રિમ તળાવમાં માં સાંજે 7 વાગ્યા સુધીમાં ચાર હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન


શહેરના કૃત્રિમ તળાવ ખાતે પોલીસ, ટ્રાફિક પોલીસ,ફાયરબ્રિગેડ, 108 ઇમરજન્સી સેવા તથા સ્થાનિક પ્રશાસન દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી
(પ્રતિનિધિ) વડોદરા તા.31
સંસ્કારી નગરી વડોદરા શહેરમાં રવિવારે પાંચમા દિવસે ભક્તો દ્વારા બિરાજમાન શ્રીજીનું વિવિધ કૃત્રિમ તળાવો ખાતે ભાવભર્યું વિસર્જન કરવામાં આવ્યું હતું. બપોર થી વિસર્જન શરું થતાં પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયરબ્રિગેડ, ઇમરજન્સી 108એમ્બ્યુલન્સ, પાલિકા તંત્ર દ્વારા ભક્તોને શ્રીજીના વિસર્જન માટે કોઇ અસુવિધાઓ ન સર્જાય તે માટે તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.શહેરના ચારેય ઝોનમાં કૃત્રિમ તળાવમાં સાંજે સાત વાગ્યા સુધીમાં ચાર હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


સંસ્કારી નગરી વડોદરા શહેરમાં ગત તા. 27 ઓગસ્ટ ને ગણેશ ચતુર્થી સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી જેમાં મોટા ગણેશ મંડળો દ્વારા ગણેશ પંડાલોમાં તથા ભક્તો દ્વારા પોતાના ઘરે શ્રીજીની સ્થાપના દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ,સાત અને નવ દિવસ માટે કરવામાં આવી હતી જેમાં રવિવારે શહેરમાં કેટલાક ભક્તો દ્વારા પાંચમા દિવસે શ્રીજીને ભાવભીની ભક્તિસભર વાતાવરણમાં વિદાય સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું. રવિવારે શહેરમાં ઘણા સ્થળોએ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ શ્રીજીની આરતી,ભોગ બાદ વિવિધ વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા નિયત કરાયેલ કૃત્રિમ તળાવો સહિત જળાશયોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રવિવારે બપોરે શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે શ્રધ્ધાળુઓ ઢોલનગારા સાથે શ્રીજીની પ્રતિમાઓ સાથે પહોંચ્યા હતા જ્યાં ભક્તો દ્વારા તળાવ કિનારે બાપ્પાની આરતી દર્શન બાદ ભાવસભર વિદાય આપી હતી. શહેરમાં પાંચમા દિવસે શાંતિમય વાતાવરણમાં શ્રીજીનું વિસર્જન સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સમગ્ર રૂટ તથા સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ શ્રધ્ધાળુઓને શ્રીજીની વિસર્જન યાત્રાના રૂટમા કોઇ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ તમામ પ્રકારની ટ્રાફિકની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે કૃત્રિમ તળાવ ખાતે ફાયરબ્રિગેડ ની ગાડી સહિત ફાયરબ્રિગેડના જવાનો, ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ ને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત સુધી વિસર્જન થનાર હોય તળાવ ફરતે પાલિકા તંત્ર દ્વારા લાઇટ, તરાપા, લાઈફ જેકેટ તરવૈયાઓની ટીમ, રબર ટ્યૂબ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તદ્પરાંત તળાવ નજીક નિર્માલ્ય માટે અલાયદી વ્યવસ્થા, શ્રીજીની પ્રતિમાઓની નોંધણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શહેરમાં પાંચ દિવસ સુધી આતિથ્ય માણ્યા બાદ વિધ્નહર્તા ગણપતિએ ભક્તોની વિદાય લીધી હતી. પાલિકા તંત્ર દ્વારા શહેરના ચારેય ઝોનમાં કૃત્રિમ તળાવો ખાતે પ્રતિમાઓના વિસર્જનની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી જેમાં સાંજે સાત વાગ્યા સુધીમાં ઉત્તર ઝોનમાં આવેલા નવલખી કૃત્રિમ તળાવમાં 500, હરણી ખાતે 435, પશ્ચિમ ઝોનમાં દશામાં તળાવ ખાતે 516, ભાયલી તળાવ 415,બીલ 228
દક્ષિણ ઝોનમાં એસ.એસ.વી.પી., માંજલપુર, તરસાલી તથા મકરપુરા તેમજ પૂર્વ ઝોનમાં સરદાર એસ્ટેટ લેપ્રસી મેદાન, કિશનવાડી તથા ખોડિયાર નગર એમ ચારેય ઝોનમાં ચાર હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે કરવામાં આવ્યું હતું.