મહિલા શાકભાજી લેતાં હતાં તે દરમિયાન પાછળથી આવેલા બે ઇસમોએ શાકભાજી નો ભાવ પૂછવાને બહાને પાછળથી મહિલાના ગળામાંથી આશરે 11ગ્રામની સોનાની ચેન તફડાવી
શહેરના તરસાલી વિસ્તારમાં ગત રોજ એક મહિલા ઘનશ્યામ પાર્ક પાસેના મંદિરમાંથી બહાર નિકળી સાયકલ પર શાકભાજીના ફેરિયા પાસેથી શાકભાજી ખરીદતા હતા તે દરમિયાન અચાનક પાછળથી ટુ વ્હીલર પર આવેલા બે ઇસમોએ શાકભાજીનો ભાવ પૂછવાના બહાને મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ફરાર થઇ ગયા હતા બનાવની જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી.
વડોદરા શહેરમાં હવે દિવસે દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી રહી હોય તેમ જણાય છે.શહેરમા ચોરી, લૂંટફાટ, બળાત્કાર, હત્યા, મારામારી શરાબ અને નશાના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે જાણે પોલીસ કે કાયદાનો ખૌફ જ રહ્યો ન હોય તેવું જણાય છે ત્યારે ગતરોજ શહેરના તરસાલી વિસ્તારમાં ધોળા દિવસે મનોકામના -2ની બાજુમાં આવેલા ઘનશ્યામ પાર્ક પાસેના મંદિરમાંથી એક આધેડ મહિલા દર્શન કરી બહાર નિકળ્યા હતા અને મંદિર સામે એક સાયકલ પર શાકભાજીના ફેરિયા પાસેથી શાકભાજી ખરીદતા હતા તે દરમિયાન પાછળથી ટુ વ્હીલર પર આવેલા આશરે પચ્ચીસ વર્ષની આસપાસના બે ઇસમોએ શાકભાજી વાળા ફેરિયાને શાકભાજીનો ભાવ પૂછ્યો હતો અને તે દરમિયાન પાછળ બેઠેલા શખ્સે મહિલાના ગળામાંથી સોનાના આશરે 11ગ્રામના અછોડાની તફડંચી કરી નાસી છૂટયા હતા.બનાવને પગલે મહિલાએ શોર મચાવ્યો હતો જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.સમગ્ર બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તરસાલી વિસ્તારમાં અગાઉ પણ ચોરી લૂંટફાટ ની ઘટનાઓ બની હતી પરંતુ ઘણા કિસ્સાઓમાં આજદિન સુધી ગુનાઓનો ભેદ ઉકેલાયો નથી.