દબાણ અને સિક્યુરિટી શાખા સંયુક્ત કામગીરીથી અનેક વિસ્તારોમાં માર્ગમુક્ત અભિયાન, લારી-ગલ્લા સહિતનો સામાન જપ્ત કરીને દંડ વસૂલ



વડોદરા શહેરમાંથી ગેરકાયદે દબાણો તથા ગંદકી સામે ચાલુ ઝુંબેશ હેઠળ વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. પાલિકાની ટીમોએ રસ્તા પર અડીંગો જમાવી બેઠેલા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરી દબાણો દૂર કરાયા હતા.
ઝુંબેશ દરમિયાન આજવા બાયપાસ નજીક એપીએમસી માર્કેટ વિસ્તારમાં કચરો ફેંકતા ટ્રક ડ્રાઈવર સામે કાર્યવાહી થઈ હતી. પાલિકાની ટીમે ડ્રાઈવર પાસેથી દંડ વસૂલ કરી એક આઇસર ટ્રક જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીથી કચરો ફેંકી અશુદ્ધ વાતાવરણ સર્જનારા પર કાર્યવાહીનો દોરો ખેંચાયો છે.
કોર્પોરેશનના ટીમે આજવા ચોકડી, વાઘોડિયા ચોકડી અને કપુરાઈ ચોકડીથી કેનાલ સુધીના વિસ્તારોમાં માર્ગ કબજામાં લીધેલા દબાણો દૂર કર્યા હતા. વડોદરા સ્ટ્રક્ચર નજીકના શેડ હટાવવામાં આવ્યા હતા, જ્યારે વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે તથા સર્વિસ રોડ પરથી શ્રમિકોને પણ હટાવવામાં આવ્યા.

વધુમાં વોર્ડ નં. 10ના ભાયલી કૃત્રિમ તળાવ પાસે અને વોર્ડ નં. 8ના ઇલોરા પાર્ક ત્રણ રસ્તા નજીક લારી-ગલ્લા ધરાવતા દબાણકર્તાઓ સામે કાર્યવાહી કરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. પાલિકાએ દબાણકર્તાઓને લેખિત ચેતવણી આપીને માર્ગ પર કાયદેસર વ્યવસાય કરવા માટે સૂચના આપી હતી.