Vadodara

શહેરમાં ત્રણ સ્થળોએથી મોબાઇલની ચીલઝડપ કરનાર એક આરોપી ઝડપાયો જ્યારે એક વોન્ટેડ

ગત તા.02જાન્યુઆરીના સાંજે શહેરના પ્રતાપગંજ, ફતેગંજ તથા સયાજીગંજ વિસ્તારમાંથી મોબાઇલ ફોનની તફડંચી કરી બે ઇસમો નાસી છૂટયા હતા

શહેરના ખંડેરાવ માર્કેટ રોડ પરથી ક્રાઇમબ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 19

વડોદરા શહેરમાં ગત તારીખ 02 જાન્યુઆરીના રોજ સાંજના સમયે વડોદરા શહેરમાં પ્રતાપગંજ, ફતેગંજ તથા સયાજીગંજ જેવા અલગ અલગ ત્રણ સ્થળોએ મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમો દ્વારા રસ્તે જઇ રહેલ ત્રણ નાગરીકોના હાથમાંના મોબાઇલ ફોન ઝુંટવી લેવાના ગુનાઓ આચરવામાં આવ્યા હતા આ બનાવમાં વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે હ્યુમન તથા ટેકનીકલ સોર્સ તથા સીસીટીવી કેમેરાના આધારે એક આરોપીને શહેરના ખંડેરાવ માર્કેટ પાસેથી ઝડપી પાડ્યો હતો જ્યારે એકને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરમાં ગત તા. 02જી જાન્યુઆરીના રોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે મોટરસાયકલ પર બે ઈસમો દ્વારા પ્રતાપગંજ ગર્લ્સ હોસ્ટેલ પાસે રોડ પર એક મહિલાના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.12,000નો ઝુંટવી ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યાના સુમારે ફતેગંજ વિસ્ટા કંટ્રકશન સાઇટ પાસેથી પસાર થઇ રહેલા મહિલાનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ.11000/- નો ઝુંટવી લીધો હતો અને ત્યારબાદ સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા હોટેલ તુલસી આગળ રોડ પરથી પસાર થઇ રહેલી મહિલા પાસેથી વિવો કંપનીનો મોબાઇલ ફોન જેની આશરે કિંમત રૂ..11,000 નો ઝુંટવી લઇ નાસી છૂટયા હતા આ અંગે સયાજીગંજ અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમો સામે ચીલઝડપ કરવા અંગેના ગુનાઓ નોંધાયા હતા આમ એક જ દિવસમાં સાંજના સુમારે શહેરના ત્રણ અલગ અલગ વિસ્તારોમાં મહિલાઓને નિશાન બનાવી બે અજાણ્યા મોટરસાયકલ પર આવેલા ઇસમોએ મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા.સમગ્ર મામલે વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચે બંને ઇસમોને ઝડપી પાડવા સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા હ્યુમન અને ટેકનિકલ સ્ટોર્સના આધારે તપાસ હાથ ધરી હતી જેના માધ્યમથી મળેલી માહિતીના આધારે શહેરના ખંડેરાવ માર્કેટ પાસેના રોડ પરથી શંકાસ્પદ વ્યક્તિ સનેસભાઇ જોરસીંગ ભાઇ દેવધા નામના 19 વર્ષીય યુવક કે જે મૂળ દાહોદ જિલ્લાના ઉચવનીયા ગામનો અને હાલમાં આજવારોડ ખાતે આવેલા સયાજીપુરા ખાતેના નવીનગરી પાસેના આશાપુરી સોસાયટીમાં રહેતા ને પકડી પૂછપરછ તપાસ હાથ ધરતાં તેની પાસેથી જુદી જુદી કંપનીના ત્રણ મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ રૂ. 73000નો મુદામાલ મળી આવ્યો હતો તેણે પોલીસની વધુ પૂછપરછમાં તેના એક સાગરીત રાજા મિનેષ ડામોર જે મૂળ દાહોદના લીમડીનો વતની તથા હાલમાં શહેરના ખોડિયારનગર ખાતે રહેતો તેની સાથે મળીને ગત તા. 02જી જાન્યુઆરીના રોજ સાંજના સુમારે ત્રણ અલગ અલગ જગ્યાએથી ત્રણ મહિલાઓના મોબાઇલ ફોન તફડાવી લીધા હોવાનું કબૂલ્યું હતું જેથી તેની ધરપકડ કરી ફતેગંજ તથા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો જ્યારે તેનો સાગરિત રાજા મિનેષ ડામોર કે જેની સામે અગાઉ આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો હોઇ તે કોર્ટમાં હાજર ન રહેતો હોય તેની સામે નોન -બેલેબલ -વોરંટ ઇશ્યુ કરતા તે છેલ્લા દસેક દિવસથી દેવગઢ બારિયા સબ જેલમાં હોઇ તેની ધરપકડ બાકી હોય તે અંગેની કાર્યવાહી હાથ ધરી છે .
આ ગુનામાં સંડોવાયેલા રાજા મિનેષ ડામોર સામે અગાઉ લૂંટ, ચીલઝડપ, ચોરી, અપહરણ, દુષ્કર્મ,પોક્સો, મારામારી, આર્મ્સ તથા એનડીપીએસ સહિતના કુલ -18ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top