ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે પોલીસ-કોર્પોરેશનની કાર્યવાહી, ત્રણ ટ્રક સામાન જપ્ત
શહેરમાં ગેરકાયદે લારીઓ અને ગલ્લાઓના કારણે વધતી અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ અને કોર્પોરેશન તંત્રએ મિશન મોડમાં ઝુંબેશ હાથ ધરી છે. રાજ્યના પોલીસ વડાના આદેશ મુજબ, શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે ગેરકાયદે ધંધા ચલાવનારા તત્વો સામે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે ફતેગંજ અને શાસ્ત્રી બ્રિજ નીચે ગેરકાયદે લારી-ગલ્લા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને કોર્પોરેશનની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કેટલાક લારીવાળાઓ અને દબાણ શાખાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, ફતેગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અને સ્ટાફે વચ્ચે પડતા મામલો શાંત કરાયો.
ફતેગંજ વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન, ત્રણ ટ્રક ભરાઈને લારીઓ, ગલ્લા અને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ, શહેરમાં ગેરકાયદે ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે આવી ઝુંબેશ યથાવત રહેશે. ખાસ કરીને રાત્રિના સમયે લારી-ગલ્લાઓ હેઠળ ભેગા થતા માથાભારે તત્વો પર નિયંત્રણ લાવવા માટે અલગ-અલગ વિસ્તારોમાં સતત કામગીરી હાથ ધરવામાં આવશે.
