શહેરમાં સોમવારે મોડી સાંજે પવન સાથે વરસાદ પડતાં ન્યાયમંદિર નજીક ગરબા માટે બનાવેલ હોર્ડિંગ્સ સાથે એનટ્રીગેટ ધરાશાઇ થયું જો કે સદનસીબે કોઇ ઇજા કે જનહાની થવા પામી ન હતી.
શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી દિવસ દરમિયાન વાદળછાયું તથા ઉકળાટભર્યા વાતાવરણનો શહેરીજનોને અનુભવ થઈ રહ્યો હતો ત્યારે સોમવારે મોડી સાંજે આઠ વાગ્યાની આસપાસ ગાજવીજ તથા પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે હવે વરસાદ કે વરસાદી ઝાપટાં એ ખેડૂતોની ચિંતા વધારી છે કારણ કે, ઘ ઉ ,એરંડા, સહિતના કેટલાક ઉભા પાકો, શાકભાજી તથા ફૂલોને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. જેના કારણે આગામી દિવસોમાં શાકભાજી, ફળો, ઘઉં સહિતના અનાજ પર માઠી અસરથી ભાવવધારો પણ જોવા મળી શકે છે. બીજી તરફ શહેરમાં ફટાકડાના વેપારીઓ પણ ચિંતિત જણાયા છે ખાસ કરીને થોડોક દારુખાનાનો માલ રાખીને છૂટક વેચાણ કરતાં નાના નાના વેપારીઓ કે જેઓ ફટાકડાની સિઝનમાં સિઝનલ ધંધો કરી પેટિયું રળતા હોય તેવા વેપારીઓ હવે વધુ મૂંઝવણ અનુભવી રહ્યાં છે કારણ કે એક તરફ હવે દિવાળીના તહેવારો નજીકમાં છે અને વાતાવરણમાં અચાનક પલટો જોવા મળે છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા તા. 20 થી 22 ઓક્ટોબર દરમિયાન વાવાઝોડાની આગાહી કરી છે જ્યારે આગામી દેવદિવાળી સુધી છૂટા છવાયા વરસાદી ઝાપટાં, અથવા તો વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં વેપારીઓ ચિંતિત જણાયા છે તે જ રીતે ફરસાણના વેપારીઓ પણ ઓર્ડર મુજબ જ ફરસાણની તૈયારીઓ કરી રહ્યાં છે. શહેરમાં સોમવારે મોડીસાંજે અચાનક વરસાદ પડતા લોકો અટવાયા હતા.