Vadodara

શહેરમાં ગરમીનો પ્રતિદીન નવા રેકોર્ડ સાથે બુધવારે મહત્તમ તાપમાન 43.0 ડિગ્રી સે.થી માનવ સાથે મૂંગા પશુ પક્ષીઓ પણ પરેશાન

આકરા તાપ સાથે હિટવેવ બપોરે રાજમાર્ગો સૂમસામ ભાસી રહ્યા છે

બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 43.0 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 11% રહ્યું હતું

(પ્રતિનિધિ) વડોદરા તા. 09

દેશમાં અને ગુજરાતમાં ગરમી પ્રતિદીન નવા રેકોર્ડ સાથે આગળ વધી રહી છે જેના કારણે માનવીઓની સાથે સાથે મૂંગા પશુ પક્ષીઓ પણ હવે ત્રાહિમામ પોકારી ગયા છે.બુધવારે શહેરમાં મહત્તમ તાપમાન 4 ડિગ્રી વધતા ગરમીનો પારો મહત્તમ તાપમાન 43.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

આ વર્ષે ગરમી પ્રતિદીન નવા રેકોર્ડ સાથે આગળ વધી રહી છે ખાસ કરીને ગત તા. 30 માર્ચ ને ચૈત્રી નવરાત્રિ થી હવામાનમાં જે પલટો આવ્યો હતો અને આઠમના દિવસથી ગરમીનો પારો ઉતરોતર વધતો જોવા મળ્યો છે. ગત તા. 05 એપ્રિલ ને શનિવાર થી મહત્તમ તાપમાન 40ડિગ્રી ની આસપાસ શરુ થઇ હવે બુધવારે 43.0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.આ વર્ષે ઉનાળામાં ગરમી ઉતરોતર વધતી જોવા મળી રહી છે હવામાનના પલટા બાદ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 10 એપ્રિલ સુધી ગરમીનું મોજું સાથે હિટવેવની આગાહી વ્યક્ત કરી હતી ત્યારે સમગ્ર દેશમાં હાલમાં ગરમીનો પારો વધ્યો છે.ગુજરાતમા ઉતર ગુજરાત, દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં આકરી ગરમીનો અનુભવ થ ઇ રહ્યો છે. ઉતર પશ્ચિમ દિશાના ગરમ પવનોથી હિટવેવની અસર વર્તાઈ રહી છે. સામાન્ય રીતે 370મેગા વોટ વિજળીની ઉનાળામાં માંગ સામે લોકો હવે આકરી ગરમી થી બચવા માટે એ.સી.રેફ્રિજરેટર,કુલર,પંખા,ની ખરીદી કરતા વીજ માંગ વધી છે જેના કારણે 410 મેગા વોટ વીજ માંગ પહોંચી છે.આકરી ગરમીને કારણે બપોરે રોડ રસ્તાઓ પર નહિવત ટ્રાફિક જોવા મળે છે ખાસ કરીને બપોરે 12 વાગ્યા થી 3વાગ્યા સુધી રાજમાર્ગો પર રાહદારીઓ,વાહનદારીઓની અવરજવર ઘટી જાય છે. શહેરમાં કોક્રિટના જંગલો ઉભા થઇ જતાં મૂંગા પશુ પક્ષીઓ માટે હવે વૃક્ષોનો આસરો, પાણીના કુંડ વગેરે ઘટતાં મૂંગા પશુ પક્ષીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠયા છે.બુધવારે શહેરમાં મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો વધારો થતા શહેરમાં મહત્તમ તાપમાન 43.0 ડિગ્રી સેલ્સિયસ સુધી, લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 11% રહ્યું હતું જેના કારણે લોકોને આકરા તાપની સાથે સાથે ઉકળાટ,બફારા નો અનુભવ થયો હતો.ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં ચક્કર આવવા, બેભાન થવાના અને ઉલટીઓના કેસોમાં વધારો થયો છે.મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલના હિટવેવ માટેના દર્દીઓ માટે અલાયદા વોર્ડમાં બુધવારે સાંજ સુધી એક પણ દર્દી નોંધાયા ન હતા.

Most Popular

To Top