Vadodara

શહેરમાં કચરો, ખાડા, પ્લાન્ટેશન અને દબાણના સ્પોટ્સ આઇડેન્ટીફાઇ કરાયા

પાલિકાએ ઝોન વાઇઝ વિવિધ વિસ્તારોની સમસ્યાઓની માહિતી એકઠી કરી

વડોદરા મહાનગર પાલિકા ચારેય ઝોનમાં પડતર સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવશે

શહેરના તમામ ચાર ઝોનમાંથી તાત્કાલિક ઉકેલવા લાયક પડતર સમસ્યાઓ અંગે માહિતી એકઠી કરીને વડોદરા મહાનગર પાલિકાએ મહત્વપૂર્ણ પગલાં લેવાનું શરૂ કર્યું છે. શહેરની સફાઈ અને સુવ્યવસ્થિત કામગીરી માટે શરૂ કરવામાં આવેલી આ કામગીરી હેઠળ દરેક ઝોનના અધિકારીઓને જરૂરી કામગીરી માટે સૂચના આપવામાં આવી હતી. મહાનગર પાલિકાની માગણી મુજબ, દરેક ઝોનમાં ખુલ્લામાં પડેલા કચરા, ખુલ્લામાં નાખવામાં આવતા કચરો, ખાડા, ટ્રાફિક ડીવાઈડર પર કરવામાં આવેલા પ્લાન્ટેશન, રસ્તા અને ફૂટપાથ પર થતા અનિયમિત પાર્કિંગ અને દબાણની વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી છે. આ તમામ માહિતીના આધારે તપાસ કરી, એવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે જ્યાં તાત્કાલિક કામગીરીની જરૂરિયાત છે.

ઝોન મુજબ પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, ખાસ કરીને રોડના દબાણ અને ખાડા ભરવાના કામ, ફૂટપાથ પર થતા આડેધડ દબાણો દૂર કરવાની કામગીરી, ખુલ્લા વિસ્તારમાં થતો કચરો સંકલન તેમજ ડીવાઈડર પર વૃક્ષારોપણના નિયમિત આયોજન સહિતના મુદ્દા મહત્વના ગણાયા છે. મળતી માહિતી મુજબ, પાલિકાને ઝોનમાંથી પ્રાપ્ત માહિતીનું વિશ્લેષણ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તાત્કાલિક કામગીરી કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં ઓર્ડર આપવામાં આવશે. જે વિસ્તારોમાં હાલત વધારે ખરાબ છે, ત્યાં પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. આ કામગીરી દ્વારા શહેરમાં સફાઈ સુવ્યવસ્થિત બને એવી આશા છે. પાલિકાની દ્રષ્ટિએ, આવી સમસ્યાઓનું નિયમિત નિરીક્ષણ અને સમાધાન શહેરના નાગરિકો માટે આરોગ્ય અને જીવનસ્તર સુધારવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. આગામી દિવસોમાં આ કામગીરીના પરિણામો જાહેર કરવામાં આવશે.


લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ફરિયાદો નિકાલ કરવાની તૈયારી

વડોદરા મહાનગર પાલિકાના સોશિયલ મીડિયામાં મળતી ફરિયાદ, ઑનલાઇન મળતી ફરિયાદો તથા રાજ્ય સરકાર સુધી થતી ફરિયાદો અંગેની માહિતી એકત્ર કરવામાં આવી છે. વધુમાં, વિવિધ વિભાગો પ્રમાણે આ ફરિયાદોને અલગ અલગ તારવવામાં આવી છે. તેમાં જે ફરિયાદોનું ઘણા સમયથી નિવારણ નથી થયું તેવી ફરિયાદોનું નિવારણ કરવા માટે આગામી સમયમાં કામગીરી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

Most Popular

To Top