રત્નમ કોટિયાર્ડ, સિધેશ્વર, ન્યાયકરણ અને શ્રીમય બિલ્ડર જૂથને ત્યાં જમીનોના સોદામાં કાળા નાણાના વ્યવહારોને શોધવા માટે કવાયત :
20 થી વધુ સ્થળો પર તપાસમાં બિન હિસાબી વ્યવહારો મળવાની શક્યતા :
દિવાળી પહેલા વડોદરા શહેરના ચાર ખ્યાત નામ બિલ્ડર જૂથને ત્યાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા પાડ્યા હતા. રત્નમ કોટિયાર્ડ, સિધેશ્વર ન્યાયકરણ અને શ્રીમય બિલ્ડર જૂથને ત્યાં જમીનોના સોદામાં કાળા નાણાના વ્યવહારોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જ્યાં છેલ્લા બે દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ આ તપાસ યથાવત રહી હતી.
વડોદરામાં તહેવારો દરમિયાન ઇન્કમટેક્સ વિભાગે બિન હિસાબી નાણાંના વ્યવહારો અંગેની ડાયરીઓ પણ ઝડપી છે. આ દરમિયાનમાં બિલ્ડરોના વિવિધ પ્રોજેક્ટમાં ગ્રાહકોએ ખરીદેલા રહેઠાણો અને વ્યાપારી મિલકતોની તમામ વિગતો એકત્ર કરવામાં આવી છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે, ગ્રાહકો પાસેથી જે નાણા લેવામાં આવતા હતા, તેમાંથી હિસાબોમાં 40% થી 70% દર્શાવવામાં આવતા હતા. આમ છેલ્લા છ વર્ષના હિસાબોની તપાસ કરવામાં આવી રહી છે. બિલ્ડરોના લોકરો પણ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગી રોકડ નાણા અને કોમ્પ્યુટર ડેટા જપ્ત કરવામાં આવ્યો છે. આજે સીધેશ્વર પ્રાઇમ પ્લસ ખાતે ત્રીજા દિવસે આઇટીનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 20 થી વધુ સ્થળો પર તપાસમાં બિન હિસાબી વ્યવહારો મળવાની શક્યતા છે.