વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના ટી.પી. રોડ ખુલ્લા કરવાની કાર્યવાહી શરૂ.
ગોત્રી, ઉડેરા-અંકોડીયા, મુજમહુડા, અટલાદરા, ભાયલી, કલાલી, બિલ, ગોરવા, તરસાલી, સૈયદ વાસણા અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં નવા ટીપી રોડ મળશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સમાવિષ્ટ ટી.પી.સ્કીમ મુજબ તબક્કાવાર રીતે રસ્તાઓ ખુલ્લા કરવાનો નિર્ણય લેવાયો છે. આ તબક્કામાં કુલ 24 ટી.પી. રોડ ખુલ્લા કરાશે. જેમાં ગોત્રી, તાંડલજા, ઉડેરા-અંકોડીયા, મુજમહુડા, અટલાદરા, ભાયલી, કલાલી, બિલ, ગોરવા, તરસાલી, સૈયદ વાસણા અને સુભાનપુરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. મુખ્ય રસ્તાઓમાં ગોત્રીના નારાયણ ગાર્ડન રોડથી ઈસ્કોન હેબિટેટ સુધીનો 18 મીટર રોડ, તાંડલજાનો ટાઇમ સ્ક્વેરથી સ્ટાર સીટી-2 સુધીનો રોડ, ઉડેરા-અંકોડીયાનો શિવાય હોમ્સથી અભિષેક એપાર્ટમેન્ટ તરફનો 9 મીટર રોડ અને કલાલી વિસ્તારના લોટસ કોર્ટથી હાઈટેન્શન રોડ સુધીના રસ્તાઓનો સમાવેશ છે.
આ રસ્તાઓ ખુલ્લા થતા શહેરના આશરે 1.50 લાખ જેટલા નાગરિકોને આવાગમનમાં સુવિધા મળશે. નવા માર્ગો ઉપલબ્ધ થતા વાહનવ્યવહાર સરળ બનશે, ટ્રાફિકનો બોજ ઘટશે અને મુસાફરીનો સમય બચશે. સાથે જ વિજળી, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓ પણ વિસ્તરી શકશે. પાલિકા માને છે કે યોગ્ય માર્ગ ઉપલબ્ધ થવાથી આ વિસ્તારોમાં રહેણાંક તથા વ્યાવસાયિક વિકાસને વેગ મળશે. આપાતકાલીન પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડ અને પોલીસ જેવી સેવાઓને પહોંચ સુલભ બનશે. મુખ્ય માર્ગોના જોડાણથી વિસ્તારો વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉભી થશે અને નાગરિકોને વધુ સુખાકારી વાતાવરણ મળશે.