રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા માટે વડોદરા મહાપાલિકાએ કમર કસી
પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સેન્ટર લાઈન, કર્બ લાઈન અને ઝીબ્રા ક્રોસિંગ સહિતની કામગીરી પૂર્ણ


વડોદરા શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બને તે માટે મહાનગરપાલિકા દ્વારા રોડ માર્કિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. 18 મીટર કે તેથી વધુ પહોળાઈ ધરાવતા રસ્તાઓ પર આ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામ IRC:35 ધોરણો મુજબ હોટ એપ્લાઇડ થર્મોપ્લાસ્ટિક પેઈન્ટથી કરવામાં આવી રહ્યું છે, જે લાંબા સમય સુધી ટકાઉ રહે છે અને રાત્રિના સમયે પણ સ્પષ્ટ દેખાય છે. પાલિકાના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં સેન્ટર લાઈન, કર્બ લાઈન અને ઝીબ્રા ક્રોસિંગ સહિતની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હાલ પશ્ચિમ ઝોનમાં આ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. માર્ગ પર સ્પષ્ટ લાઈન માર્કિંગ થવાથી વાહનચાલકોને લેનમાં રહેવામાં મદદ મળશે અને ટ્રાફિકનું નિયંત્રણ વધુ સુવ્યવસ્થિત બનશે. સાથે જ ઝીબ્રા ક્રોસિંગની સ્પષ્ટતા વધવાથી રાહદારીઓની સુરક્ષા પણ વધશે. થર્મોપ્લાસ્ટિક પેઈન્ટના ઉપયોગથી વરસાદી કે ધુમ્મસવાળા સમયમાં પણ રસ્તાની લાઈનો સ્પષ્ટ દેખાય છે, જે ડ્રાઇવિંગને વધુ સુરક્ષિત બનાવે છે.