શહેરમાં રાત્રી દરમિયાન કેટલાક વાહનચાલકો દ્વારા બેફામ ગાડી હંકારી અન્ય લોકો માટે જોખમી બની રહ્યાં છતાં તંત્ર દ્વારા કોઇ તટસ્થ પગલાં લેવામાં આવતા નથી
રાત્રી દરમિયાન રોડપર વાહનોની અવરજવર ઘટતાં આવા બેફામ વાહનચાલકો છાટકા બની ફૂલસ્પિડે ગાડી, બાઇક હંકારી રહ્યાં છે..
શહેરના સુસેન તરસાલી રોડ સ્થિત સુશેન સર્કલ નજીક ગતરોજ રાત્રિના 11 વાગ્યાના સુમારે રોડ ક્રોસ કરી રહેલા યુવકને એક પૂર ઝડપે આવેલી કારે અડફેટે લેતાં યુવકને ઇજાઓ પહોંચી હતી જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો.
શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક તત્વો પૂરઝડપે કાર અને બાઇક ચલાવી અન્ય લોકો માટે જોખમી સાબિત થઇ રહ્યાં છે. થોડાંક સમય અગાઉ શહેરના અકોટા દાંડિયાબજાર બ્રિજ પર એક માલેતુજાર પરિવારના યુવાને નશાની હાલતમાં ગાડી હંકારી બ્રિજની સાઇડમાં બેઠેલ યુવા યુવતીઓઓને અડફેટે લેતાં એક આશાસ્પદ અભ્યાસ કરતા યુવકનું મૃત્યુ થયું હતું અને બે યુવતીઓ ઇજાગ્રસ્ત થઇ હતી તે ઘટના બાદ પણ શહેરમાં અવારનવાર બેફામ વાહનો લોકો માટે જોખમી બન્યા છે છતાં તંત્ર દ્વારા કોઇ તટસ્થ પગલાં લેવામાં આવતા નથી શહેરમાં અનેક સ્થળોએ તથા ચારરસ્તા પર સીસીટીવી કેમેરા તો મૂકવામાં આવેલા છે પરંતુ તે માટે નંબરપ્લેટ વિનાની ગાડીઓના ચલણ ફાડવા પૂરતાં સિમિત હોય તેમ જણાય છે કારણ કે, ઓવરસ્પિડ વાહનો અથવાતો રાત્રે કે પછી દિવસ દરમિયાન લૂંટ કરી ફરાર થતાં ગુનેગારો તસ્કરો આ સીસીટીવીમા ઝડપાતા નથી.
ગત તા. 23-06-2024 ની રાત્રે વિનય રમેશભાઇ રોહિત નામનો 19 વર્ષીય યુવક આશરે 11 વાગ્યાના સુમારે શહેરના સુશેન-તરસાલી રીંગરોડ નજીકના એસ.આર.પેટ્રોલ પંપ પાસેથી રોડ ક્ર્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન સુશેન તરફથી એક ફોર વ્હિલરના ચાલકે કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી વિનયને અડફેટમાં લીધો હતો જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો અને તેને માથામાં ઇજાઓ પહોંચી હતીસાથે જ હાથ પગમાં છોલાઈ ને ઇજાઓ થઇ હતી. ઘટનાની જાણથી આસપાસ લોકો એકત્રિત થઇ ગયા હતા ઇમરજન્સી 108 મારફતે ઇજાગ્રસ્ત યુવકને એસ.એસ.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. અને વિનયના પિતા રમેશભાઇ ભીખાભાઇ પરમારને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા ને આ બનાવ બાદ અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો જે સમગ્ર બાબતે રમેશભાઇ રોહીતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.