Vadodara

શહેરના સરકારી હોસ્પિટલોમાં દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર….

ચેપીરોગના દવાખાના,કારેલીબાગમા કમળાની દવાની અછતને કારણે દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે

જમનાબાઇ હોસ્પિટલ બાદ હવે ચેપીરોગના દવાખાનાના સ્ટોરમાં કેટલીક દવાની અછત

હાલમાં એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેમાં પાણીજન્ય રોગચાળો કોલેરા, કમળો ઝાડા ઉલટી સહિતનો રોગચાળો એક તરફ વધ્યો છે ત્યારે બીજી તરફ શહેરની સરકારી ચેપીરોગના હોસ્પિટલમાં કમળાની કેટલીક દવાઓની અછતથી દર્દીઓ બહારથી વેચાતી દવા ખરીદવા મજબૂર બન્યા છે.

શહેરમાં હાલ ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય રોગચાળાના કેસોમાં વાયરના કેસોમાં તથા મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળ્યો છે તેમાંય ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં કોલેરા, કમળા, ટાઇફોઇડ જેવા રોગોમાં દર્દીઓની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી તરફ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ચેપીરોગના દવાખાનામાં છેલ્લા કેટલાક સમયથી કમળાની કેટલીક દવાઓની અછત સર્જાતા દર્દીઓને કમળાની દવા બહારથી લખી આપવામાં આવે છે. એક તરફ આર્થિક રીતે પછાત લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં જ પૂરતી દવા ન હોવાથી દર્દીઓને બહારથી દવા માટે હોસ્પિટલમાંથી પ્રિસ્ક્રિપ્શન લખી આપવામાં આવે છે ત્યારે ઘણાં દર્દીઓએ હોસ્પિટલની નીતિ સામે જણાવ્યું હતું કે, તેઓ પાસે પૈસા નથી માટે જ તો અહીં સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવ્યા છે અને હવે બહારથી મોંઘી દવા ખરીદવા પૈસા નથી આવા સમયે સારવાર કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન બન્યો છે. શહેરમાં થોડાંક દિવસો અગાઉ માંડવી સ્થિત જમનાબાઇ હોસ્પિટલમાં પણ થાઇરોઇડ સહિતની કેટલીક દવાઓની અછત સર્જાઇ હતી અને હવે બીજી એક સરકારી ચેપીરોગની હોસ્પિટલમાં કમળાની કેટલીક દવાઓનો સ્ટોક ન હોવાથી દર્દીઓને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. જ્યારે બીજી તરફ કારેલીબાગ ચેપીરોગ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.પ્રતિક શાહે જણાવ્યું હતું કે, દરેક સરકારી હોસ્પિટલમાં કોઇક ને કોઇક દવાનો સ્ટોક પૂરો થઇ ગયો હોય કે પછી નવા દવાના સ્ટોક માટે ટેન્ડર થાય ત્યારબાદ દવાઓની જરુરિયાત મુજબ ઓર્ડર આપવામાં આવે છે અને ત્યારબાદ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિ.દ્વારા દવા સપ્લાય થાય છે કેટલીકવાર આ પ્રક્રિયાને કારણે પણ દવાઓની અછત સર્જાતી હોય છે. એસ.એસ.જી.હોસ્પિટલ હોય કે પછી જમનાબાઇ હોસ્પિટલ તમામ હોસ્પિટલમાં આ સમસ્યા આવતી હોય છે. દર્દીઓ જન ઔષધિ કેન્દ્રોમાંથી પણ દવા મેળવી શકે છે તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top