આર્થિક તંગી કે અન્ય કોઇ કારણોસર કર્મચારીઓને છૂટ્ટા કરાયા?
સવારે હોસ્પિટલ સ્ટાફને લેટર આપી સહીં કરવા અને આવતીકાલ થી નોકરીએ નહીં આવવા જણાવતા વિવાદ સર્જાયો
શહેરના જેતલપુર રોડ ખાતે જેતલપુર બ્રિજ નજીક આવેલ વોર્ડવિઝાર્ડ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા સવારે 40 જેટલા હોસ્પિટલ સ્ટાફને લેટર પર સહીં કરવા તથા આવતીકાલથી જોબ પર નહિ આવવા જણાવતા વિવાદ સર્જાયો હતો.
શહેરના જેતલપુર ખાતે વોર્ડવિઝાર્ડ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ આવેલી છે અહીં અગાઉ વોર્ડ વિઝાર્ડ ગોત્રી યુનિટ બંધ કરાયા બાદ સ્ટાફને જોબ પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા સાત મહિના ઉપરાંતથી વોર્ડવિઝાર્ડ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં વિવિધ વિભાગોમાં જેમાં બિલીંગ વિભાગ, રિશેપ્સન વિભાગ, નર્સિંગ તથા બાયો મેડિકલ વિભાગમાં સ્ટાફ ફરજ બજાવતા હતા. આ સ્ટાફની સાથે સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ ના પણ ત્રીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે ત્યારે બુધવારે સવારે હોસ્પિટલ સતાધીશો દ્વારા અહીં કામ કરતા ગોત્રી યુનિટ સહિતના કુલ ચાલીસ જેટલા સ્ટાફને અચાનક લેટર પર સહીં કરવાનું જણાવી આવતીકાલથી જોબ પર નહીં આવવાનું જણાવવામાં આવ્યું હતું. અચાનક કોઇપણ પ્રકારની કારણદર્શક નોટિસ કે સૂચના વિના સતાધીશોએ આ રીતે જણાવતા હોસ્પિટલ સ્ટાફના કર્મચારીઓ હેબતાઇ ગયા હતા. કારણ કે, એકતરફ કારમી મોંઘવારીનો માર એમાંય કેટલાય કર્મચારીઓ ના પરિવારનું ગુજરાન આ લોકો પર હોવાથી સૌથી વધુ તેઓની હાલત કફોડી બની હતી જ્યારે બીજી તરફ નર્સિંગ સહિતના સ્ટાફના આક્ષેપો મુજબ અહીં ફરજ બજાવતા સ્ટાફમાં મોટભાગના કર્મચારીઓ વોર્ડવિઝાર્ડ ગોત્રી યુનિટના હતા. ગોત્રી યુનિટ બંધ થયા બાદ તેઓ અહીં કાર્યરત હતા જ્યારે આ સ્ટાફ સાથે જ સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે તેઓને છૂટા કરવામાં નથી આવ્યા. સવારે સ્ટર્લિંગ હોસ્પિટલ ની ટીમ સ્ટાફ સાથે આવી પહોંચી હતી જેના કારણે ચાલીસ ઉપરાંત છૂટા કરવામાં આવેલા સ્ટાફે હોસ્પિટલ બહાર હોબાળો મચાવ્યો હતો કારણ કે છેલ્લા સાત મહિના ઉપરાંતથી તેઓ કામ કરતા હતા તે પણ સ્ટર્લિંગના સ્ટાફ ના પગારની તુલનાએ ઘણા ઓછા પગારમાં પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરી માસની 07મી તારીખે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વોર્ડવિઝાર્ડ ની આજવારોડ સયાજીપુરા નજીક આવેલ ઇ જોય બાઇક ની ઓફિસ ખાતે સવારથી રેડ કરી હતી અને સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ હિસાબો અને નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરવામાં આવી હતી. વોર્ડવિઝાર્ડના માલિક અને મેનેજિંગ ડિરેક્ટર યતીન ગુપ્તાના નિવાસસ્થાને પણ ઇન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી અને બેનામી હિસાબોની તપાસ કરવામાં આવી હતી.
અમારા ઘરનું ગુજરાન અમારા પગાર ઉપર ચાલે છે
સવારે અમારા ચાલીસ ઉપરાંત સ્ટાફ જેમાં નર્સિંગ, બિલીંગ, રિસેપ્સન, તથા બાયોમેડિકલ વિભાગના છેલ્લા સાત મહિનાથી ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓને માત્ર પંદર થી વીસ હજાર પગાર આપતા હતા તેઓને લેટર પર સહીં કરી છૂટા કરવામાં આવ્યા હોઇ આવતીકાલથી જોબ પર ન આવવા જણાવ્યું છે. અમારું ઘર નું ગુજરાન અમારા ઉપર ચાલે છે.
-કાજલ દવે, હોસ્પિટલ સ્ટાફ પૂર્વ કર્મી
સ્ટર્લિંગ ના સ્ટાફના પગારની તુલનાએ અમે ઓછા પગારમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા.
અમને સવારે લેટર આપી સહીં કરવા જણાવ્યું હતું. લેટરમા વોર્ડવિઝાર્ડ યુનિટ તથા વોર્ડવિઝાર્ડ યુનિટી વચ્ચેનો એમ ઓ યુ તૂટતાં આ નિર્ણય લેવાયો હોવાનું કારણ બતાવાયું છે. અમને 15 થી 20 હજાર પગાર આપવામાં હવે આર્થિક તંગીનુ કારણ આપ્યું છે જ્યારે બીજી તરફ સ્ટર્લિંગનો સ્ટાફ કે જેઓના પગાર 30 થી 45હજાર છે તો તેઓને સતાધીશો આટલા મોંઘા પગાર ચૂકવશે તો અમને શા માટે છૂટા કરાયા?
-સંગીતા -હોસ્પિટલ સ્ટાફ પૂર્વ કર્મી