Vadodara

શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચનો ઉપયોગ કરી માંજો વેચાણ કરનારા ચારની ધરપકડ

પ્રતિબંધિત કુલ છ ચાઇનીઝ દોરાની રીલ મળીને રૂ.3600નો મુદામાલ મકરપુરા પોલીસે કબજે કર્યો

ફતેગંજ પોલીસે પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરી માંજો વેચતા બે ઇસમો પાસેથી કુલ રૂ.1710નો મુદામાલ કબજે લીધો

(પ્રતિનિધિ) વડોદરા તા. 12

શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇના દોરીની રીલ વેચવા ફરતા બે ઇસમોને મકરપુરા પોલીસે કુલ રૂ. 3600 ના મુદામાલ સાથે તથા કાચનો ઉપયોગ કરી તૈયાર કરેલા માંજાનુ વેચાણ કરતા બે ઇસમોને ફતેગંજ પોલીસે કુલ રૂ.1710ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક તરફ ઉતરાયણ પર્વને માંડ એક દિવસ આડે રહ્યો છે ત્યારે શહેરમાં કેટલાક ઇસમો પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી તથા કાચ વડે તૈયાર કરાથેલ માંજાનુ વેચાણ કરતા હોવાનું જાણવા મળતાં શહેરના મકરપુરા પોલીસ તથા ફતેગંજ પોલીસ દ્વારા આવા ઇસમોને શોધી ઝડપી પાડી તેઓ પાસેથી મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મકરપુરા પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી માહિતીના આધારે બંસલ મોલ પાસે બે ઇસમો એક્ટિવા લઇને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગ્રાહકને વેચાણ પેટે આપવા આવનાર હોય પોલીસે ચોક્કસ સ્થળેથી એક્ટિવા પર બેઠેલા બે લોકોને કોર્ડન કરી તેઓની તપાસ અને પૂછપરછ કરતાં એકનું નામ આદિત્ય અરવિંદભાઇ બારીયા તથા હર્ષરાજસિંહ વિજયસિંહ સોલંકી (બંને રહે. નિલકંઠ પાર્ક સોસાયટી, દંતેશ્વર)નાઓ પાસેથી કુલ 06 નંગ ચાઇનીઝ પ્લાસ્ટિકના દોરાની પ્રતિબંધિત રીલો મળી આવી હતી જેની આશરે કિંમત રૂ. 3600ના મુદામાલ સાથે ઝડપી તેઓ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રતિબંધિત કાચનો ઉપયોગ નહીં કરવાના જાહેરનામાનો ભંગ કરી મહેસાણા નગર પાસેના ફર્ટિલાઇઝર નગર પાસેના રોડ પર એક ભોલાભાઇ રમણભાઇ માળી નામના ઇસમ (રહે. મહાકાળી ડેરી પાછળ,પેન્સનપુરા ગામ, નિઝામપુરા)ને જાહેરમાં કાચથી માંજો તૈયાર કરતો હોય ફતેગંજ પોલીસે તપાસ કરતા પ્રતિબંધિત કાચનો પાઉડર મળી આવ્યો હતો જેથી ભોલાભાઇને બે નંગ ફિરકી જેની આશરે કિંમત રૂ. 1000 તથા કાચનો ચાર કિલોગ્રામ પાવડર જેની કિંમત રૂ.120મળીને કુલ રૂ.1128ના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બીજા એક ન્યૂ સમા રોડ વિસ્તારમાં આવેલા જાદવ પાર્ક નજીકના રામજી મંદિર સામે રોડ પર એક જગુભાઈ ધનજીભાઇ પરમાર નામનો વ્યક્તિ જાહેરમાં પ્રતિબંધિત કાચનો ઉપયોગ કરી માંજો તૈયાર કરી રહ્યા હોય તેઓને દોરીની ચાર ફિરકી જેની આશરે કિંમત રૂ.500તથા અંદાજે ત્રણ કિલોગ્રામ કાચનો પાવડર જેની કિંમત રૂ. 90મળીને કુલ રૂ. 590ના મુદામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુપર બેકરીથી ગધેડા માર્કેટ તરફના રસ્તે પતંગના દોરાથી વધુ એક યુવક ઘવાયો

શહેરમાં ઉતરાયણ અગાઉ પતંગના દોરીથી લોકો ભોગ બની રહ્યા છે ત્યારે વધુ એક યુવકનું શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સુપર બેકરીથી ગધેડા માર્કેટ તરફના રસ્તે પતંગના દોરાથી ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. એક્ટિવા પર જતાં નાગરવાડા વિસ્તારના એક યુવકના ગળામાં પતંગની દોરી આવી જતાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેના પગલે તે લોહિલુહાણ થતાં લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તેને નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને યુવક આઇસીયુમા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top