Vadodara

શહેરના વિકાસ માટે અંદાજે 6 હજાર કરોડનું VMCનું બજેટ રજૂ થવા તૈયાર


વિકાસની નવી યોજનાઓ અને લોકસૂચનો સાથે શાસક પક્ષની ચૂંટણીલક્ષી વ્યૂહરચના

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ થવા માટે તૈયાર છે. આ બજેટ આશરે 6 હજાર કરોડનું હશે તેવા અનુમાન સાથે, શહેરના વિકાસ માટે આ બજેટ અનેક મહત્વાકાંક્ષી યોજનાઓને પ્રોત્સાહન આપશે તેવું માનવામાં આવી રહ્યું છે.

વર્ષ 2023-24નું રિવાઇઝડ બજેટ 5327.68 કરોડ અને વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ 5558.86 કરોડ મંજુર કરવામાં આવ્યું હતું, જેમાં કોઇ પણ પ્રકારના વેરામાં વધારો કરાયો નહોતો. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા સંભવતઃ આ પ્રથા ચાલુ રાખીને આ વખતનું બજેટ પણ સામાન્ય નાગરિકોને આર્થિક રીતે અસર ન કરતા રજૂ કરવાની તૈયારી છે.

આ બજેટમાં પાણી, ડ્રેનેજ, બ્રિજ, રસ્તા, વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાઓ, ઇ-બસ સેવા, ઇ-ચાર્જિંગ સ્ટેશનો, અને રિંગરોડ જેવા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. ખાસ કરીને શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક મજબૂત બનાવવા માટે લાંબાગાળાના આયોજન પર ભાર મૂકવામાં આવશે.

આ વર્ષે પ્રથમ વખત, બજેટ પૂર્વે લોકસૂચનો મગાવવામાં આવ્યા છે, જેમાં લોકોએ 1700 થી વધુ સૂચનો કોર્પોરેશનને મોકલ્યા છે. આ સૂચનોમાં રસ્તાઓની પહોળાઈ, સફાઈ, દબાણ, આરોગ્ય સુવિધાઓ, પાણીની સમસ્યાઓ અને વિકાસના અન્ય મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ પહેલને વધુ સકારાત્મક બનાવવા માટે આગામી વર્ષથી ડેશબોર્ડ અને ઓનલાઇન સૂચન વ્યવસ્થા શરૂ કરવાના પ્રયાસો થશે.

આ વર્ષ ચુંટણીનું હોવાથી શાસક પક્ષ દ્વારા બજેટમાં કોઇ નવા વેરા નહીં લાવવાનું નિશ્ચિત છે. બજેટને ચૂંટણીલક્ષી રાખવા માટે લોકોના કલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવશે.

ગત વર્ષે બજેટ પર વિરોધપક્ષે 454 દરખાસ્તો રજૂ કરી હતી, જેમાંથી 453 દરખાસ્ત બહુમતીના આધારથી ફગાવી દેવામાં આવી હતી. આ વખતે પણ શાસક પક્ષ અને વિરોધપક્ષ વચ્ચે વિકાસના મુદ્દાઓ પર ચર્ચા ગરમાવાની સંભાવના છે.

વીએમસીનું બજેટ ટૂંકા અને લાંબા ગાળાના યોજનાઓને આધારે સંકલિત રીતે રજૂ થશે. શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સ્વચ્છતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખાસ ધ્યાન આપશે તેવું ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top