અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી…
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા….
ચોમાસાની ઋતુમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો હતો બીજી તરફ વાતાવરણમાં ભેજના પ્રમાણમાં વધારો થતાં શહેરીજનો અસહ્ય ઉકળાટનો અનુભવ કરી રહ્યાં હતાં જો કે ગત મંગળવારે તથા બુધવારે સાંજે શહેરમાં કેટલાક મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયાં હતાં જેને કારણે વાતાવરણમાં આંશિક ફેરફાર જોવા મળ્યો હતો છતાં શહેરમાં ઉકળાટભર્યા વાતાવરણથી લોકોને છૂટકારો મળ્યો ન હતો ગુરુવારે વાતાવરણમાં ફરી એકવાર ભેજનું પ્રમાણ વધતાં લોકોએ મોડી રાત સુધી બફારાનો, ઉકળાટભર્યા વાતાવરણ અનુભવાયુ હતું જો કે બીજી તરફ શુક્રવારે બપોરે અચાનક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો.બપોરે શહેર માથે કાળાં ડિબાંગ વાદળો ઘેરાયા હતા સાથે જ ધીમી ગતિએ ગાજવીજ સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો જેના કારણે શહેરમાં હિલસ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. બીજી તરફ હળવા વરસાદને પગલે સાંજે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી જવા પામી હતી.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય બનતા આગામી ત્રણ દિવસ વધુ વરસાદ વરસી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય ગુજરાતમાં હળવા થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મધ્યમ થી ભારે વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગ દ્વારા તા.26સુધીની આગાહી વચ્ચે શુક્રવારે બપોરથી વડોદરા શહેર તથા વડોદરા જિલ્લામાં વરસાદ જોવા મળ્યો હતો વડોદરા જિલ્લામાં વાઘોડિયા, પાદરા સહિત વરસાદ પડ્યો હતો. શહેરીજનોએ બપોરે ઘનઘોર વાદળો છવાઇ જતાં અંધારું છવાયું હતું જેના પગલે દિવસે પોતાના મકાનો ઓફિસોમાં લાઇટો ચાલુ કરવી પડી હતી.