Vadodara

શહેરના વાઘોડિયા રોડ ખાતે રહેતા પરિવારને મકાન ખાલી કરાવવા બાબતે મારામારી

મહિલાએ આવેશમાં આવી જઈ જાતે ફિનાઇલ ગટગટાવી લેતાં સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યા

બનાવને પગલે પાણીગેટ પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી

(પ્રતિનિધિ) વડોદરા તા. 11

શહેરના વાઘોડિયારોડ ખાતે રહેતા અને સરદાર સરોવર નર્મદા નિગમમાં પાણી પૂરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા મહિલા તથા રિયલ એસ્ટેટ નું કામ કરતા તેમના પતિ ને મકાન ખાલી કરાવવા બાબતે વાઘોડિયારોડ ના એક યુવકે અપશબ્દો બોલી મારામારી કરતાં મહિલાએ ઘરમાં મૂકેલ ફિનાઇલ ગટગટાવી જતાં તેમને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા પુનમ કોમ્પલેક્ષ પાછળના તિરુપતિ સોસાયટીમાં મકાન નંબર બી -37 માં નેહાબેન જીગ્નેશભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને શહેરના નર્મદા ભુવન પાસે આવેલા સરદાર સરોવર નર્મદા નિગમના પાણી પૂરવઠા વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝ પર વર્ષ -2011થી ફરજ બજાવે છે તેમના પતિ જીગ્નેશભાઇ પરમાર રિયલ એસ્ટેટ નો ધંધો કરે છે તેમને બે બાળકો છે. ગત તા.09 ફેબ્રુઆરીના રોજ નેહાબેન પોતાના પતિ સાથે સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા જ્યાંથી રાત્રે સાડા આઠે ઘરે પરત આવ્યા હતા રાત્રે તેઓ જમવાનું બનાવવાની તૈયારી કરતા હતા તે દરમિયાન રાત્રે આશરે પોણા દસ વાગ્યે તેમના પતિનો મિત્ર મેહુલ અશોકભાઇ કહાર પોતાની કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે 06-પીજી-8679 લઇને નેહાબેનના ઘરે આવ્યો હતો અને નેહાબેનને “આ ઘર મારું છે અને તમે બધા ઘરમાંથી બહાર નીકળી જાવ” તેમ કહેતા નેહાબેન ઘરની સામે રહેતા નિલય વૈધને બોલાવી લાવ્યા હતા તે દરમિયાન મેહુલ કહારે નેહાબેનને અપશબ્દો બોલી પાછળથી ધક્કો માર્યો હતો અને ગડદાપાટુનો માર મારતાં નેહાબેનના કપડાં પણ ફાટી ગયાનો આક્ષેપ નેહાબેને કર્યા હતા આ દરમિયાન તેમના પતિ છોડાવવા જતાં તેઓને પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ ગાડીમાંથી તલવાર જેવું હથિયાર કાઢતા નિલય વૈધે મેહૂલ ને સમજાવી તલવાર લઈ લીધી હતી અને મેહુલ કહારને લઈ ગયો હતો ત્યારબાદ ફરીથી મેહુલ કહાર નેહાબેનના ઘરમાં ગયો હતો અને ફોન પર બહારથી માણસો બોલાવવા ફોન કર્યો હતો જેથી જીગ્નેશભાઇએ પોલીસ કંટ્રોલ રૂમને 100નંબર પર જાણ કરી હતી થોડીવાર બાદ મેહુલ કહારના પત્ની, માતા પિતા,ભાઇ ક્રિશ્ના કહાર તથા માસીએ ઘરમાં ઘૂસી નેહાબેનને જાતિ વિષયક અપશબ્દો બોલી તમે સોસાયટીમાં રહેવા લાયક નથી મારું મકાન છે ખાલી કરી નાખ તેમ કહી ઘરને તાળું મારી દીધું હતું અને જીગ્નેશભાઇ ને મારી નાખવાની ધમકી આપી હોવાનો નેહાબેને આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે જાનથી મારી નાખવાની ધમકી આપતા તેમણે આવેશમાં આવી જઈ ઘરની પાછળ સંડાસ બાથરૂમ પાસે મુકેલ બોટલમાંથી ફિનાઇલના બે ઘૂંટ પી લેતાં નેહાબેનના જેઠાણી શીતલબેને બોટલ છીનવી લીધી હતી જ્યારે જીગ્નેશભાઇ એ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી નેહાબેનને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે જીગ્નેશભાઇ એ બીજી વાર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જેથી મેહુલ કહારના ભાઇ ક્રિશ્ના કહારે સમાધાન કરી લેવા નહિતર રોજ આ રીતે જ ધમાલ થવાની વાત કરી હતી જેથી નેહાબેને પાણીગેટ પોલીસને મેહુલ કહાર સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top