વરસાદ નથી છતાં વધુ 2 સ્થળે મોટા ભૂવા પડ્યા
સંસ્કારી અને કલાનગરી વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો જારી રહ્યો છે. વરસાદની સિઝન પૂરી થઈ ગઈ ને બે મહિના ઉપરાંત સમય થઈ ગયો છતાં ભુવા પડવાનું બંધ નથી થયું. જુદાજુદા બે વિસ્તારમાં નવા ભૂવા પડતાં લોકોમાં ભય અને આક્રોશની લાગણી વ્યાપી છે.
શહેરના માથે એક પછી એક સંકટ આવી રહ્યા છે અને તેમાં હવે ભૂવાનું સંકટ ઉમેરાયું છે. વડોદરામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઇ એ સહુ કોઈ જાણે છે અને લોકો એ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પૂર ઓસરી ગયા બાદ ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળાએ લોકોને ભરડામાં લીધા હતા. તો બીજી તરફ વિશ્વામિત્રીના પૂર આવ્યા હતા તે વિસ્તારોમાં મગરોએ લોકોમાં ભય સર્જ્યો હતો. આવી સ્થિતિ વચ્ચે હવે ગમે તે ઘડીએ રસ્તા પર મોટા ભૂવા પડવાના તેમજ રોડ બેસી જવાના બનાવોએ વાહનચાલકોની સુરક્ષાને જોખમમાં મુકી છે.
ત્યારે વડોદરા અકોટા ગાર્ડન વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ભૂવો પડયો હોવાની સ્થાનિકો દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે. બે મહિના પહેલા ભૂવાએ નાનું સ્વરૂપ લીધું હતું ત્યારે સ્થાનિકોએ પાલિકા ની વોર્ડ ઓફિસે અવારનવાર ફરિયાદ કરી હતી. પરંતુ પાલિકાના આળસુ અધિકારીઓ કુંભકરણ નિદ્રામાંથી ઉઠતા નથી . આ ભુવા મોટું સ્વરૂપ લઇ રહ્યો છે .ત્યારે સ્થાનિકોએ ભૂવાની આસ પાસ બેરિકેડ લગાવી દીધા હતા.