દરબાર ચોકડી નજીક ફ્રૂટ્સની લારી ચલાવતા વ્યક્તિ ઘરે પરત જતા પડી ગયો હતો..
પરિવારમાં પત્ની તથા બે બાળકો છે..
શહેરના માંજલપુરમાં રહેતા તથા ફ્રૂટની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિ ને ગત તા. 10નવેમ્બરના રોજ રાત્રે લારી લઇને ઘર તરફ પરત ફરતી વેળાએ અચાનક પડી જતાં બેભાન થઇ ગયો હતો જેથી તેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે લાવતા તેનું મૃત્યુ નિપજ્યું હતું જેના પગલે મૃતદેહના પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વિશ્વામિત્રી રોડ પરના સોના ટેકરી ખાતેની ચાલીમાં રહેતા અંદાજે 43વર્ષીય રામ પરવેશ કલ્પનાથ તિવારી નામનો વ્યક્તિ માંજલપુર વિસ્તારમાં જ આવેલા દરબાર ચોકડી નજીક કોચર કોલ સેન્ટર પાસે ફ્રૂટ્સની લારી ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવતો હતો.પરિવારમા પત્ની અને બે બાળકો છે જેમાં એક પુત્ર પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરે છે તથા બીજો પુત્ર અભ્યાસ કરે છે.રામ પરવેશ રાબેતામુજબ ગત તા. 10નવેમ્બરે પોતાના ઘરેથી પુત્ર સાથે ફ્રૂટની લારી લઇ દરબાર ચોકડી ગયો હતો જ્યાંથી રાત્રે 9 થી 9:30 વાગ્યા દરમ્યાન માંજલપુર અવધૂત ફાટક નજીક આત્મિયધામ મેદાન નજીક આવેલા કાલભૈરવ મંદિર પાસેથી પરત પોતાના ઘરે લારી લઇને આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક પડી જતાં બેભાન થઇ ગયા હતા જેથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108એમ્બયુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મરણ જાહેર કરી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ નું કારણ હાર્ટએટેક હોવાનું જાણવા મળ્યું છે.