Vadodara

શહેરના બ્રિજ આસપાસ 3D પેન્ટિંગ અને બાગોમાં બ્રાન્ડિંગ કરાશે

વડોદરામાં શહેરી વિકાસ માટે મ્યુ. કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ

શહેરમાં પેવરબ્લોક, બ્રિજ અને સ્ટ્રીટ લાઈટ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચન

વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ (IAS)ની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરી અંગે રીવ્યુ બેઠક યોજાઈ. બેઠકમાં શહેરી રસ્તા, બાગ બગીચા, બ્રિજ અને જાહેર વિસ્તારોની સફાઈ અને સુવિધાઓમાં સુધારા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિર્દેશ આપવામાં આવ્યા કે શહેરના માર્ગો અને બ્રિજની આસપાસની દિવાલો પર 3D પેન્ટિંગ કરાવવું, બાગોમાં બ્રાન્ડિંગ કરવું અને બ્રિજની નીચે સફાઈ કરવી. તૂટેલા પેવરબ્લોક અને ખાડા તાત્કાલિક દૂર કરવા તેમજ રોડ રિસરફેસીંગ કરવા સૂચન અપાયા. OG વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઈટ અને બંધ સ્ટ્રીટ લાઈટની મરામત ઝડપી પૂર્ણ કરવા પણ સૂચનો આપવામાં આવ્યા. પાણી વિતરણની વ્યવસ્થા સુયોગ્ય કરવા, રસ્તાઓની આસપાસ પેવરબ્લોક ખોલી પાણી, ગટર અને કેબલીંગનું કામ ચાલુ રાખવું અને નુકસાન કરતા લોકોને નોટીસ આપવાનું પણ સૂચવાયું. શહેરમાં વૃક્ષારોપણ માટે ગાંધી જયંતી નિમિત્તે સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓને છોડ વિતરણ કરવાની કામગીરી પણ શરૂ કરવાનું નક્કી કરાયું.

વધુમાં, શહેરમાં બિનજરૂરી ઘાસ, માર્ગમાં વૃક્ષોની ટ્રીમીંગ, ફાયર બ્રિગેડ દ્વારા ખાડાની ગણતરી, વેબસાઈટ અને CM ડેશબોર્ડમાં ઓનલાઈન ફરિયાદોના નિરાકરણ, વિસર્જીત ગણપતિ મૂર્તિઓનો યોગ્ય નિકાલ, ઈ-બસ સેવા, વ્હીકલ પુલ કચેરી અને ડોર ટુ ડોર કલેકશન સેવા શરૂ કરવા અંગેના સૂચનો પણ આપવામાં આવ્યા. બેઠકમાં દરેક સંબંધિત અધિકારીને તાત્કાલિક કામગીરી માટે સૂચિત કરાયા, જેથી શહેરી વિકાસ, સ્વચ્છતા અને સુવિધા સુધારામાં ઝડપ આવી શકે.

Most Popular

To Top