શહેરમાં ઉતરાયણ બાદ પણ પતંગના દોરાથી ઇજાંના બનાવો હજી યથાવત.
ઉતરાયણ પર્વ બાદ પણ શનિ રવિની રજાઓમાં કેટલાક વિસ્તારોમાં પતંગો ચગતા જોવા મળ્યા
(પ્રતિનિધિ) વડોદરા તા. 20
શહેરના બે અલગ અલગ સ્થળોએ બે યુવાનો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થતાં તેઓને એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ બંને ભાનમાં અને તેઓની તબીયત સુધારા પર હોવાની જાણવા મળ્યું છે.
વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વ બાદ પણ કેટલાક વિસ્તારોમાં પતંગોના દોરાઓ જોખમી રીતે લટકતાં જોવા મળી રહ્યાં છે સાથે જ ઉતરાયણ પર્વ બાદ શહેરમાં શનિવારે તથા રવિવારે શાળાઓમાં બાળકોને રજા હોઇ કેટલાક વિસ્તારોમાં પતંગો ચઢતી જોવા મળી હતી. પતંગોના દોરાઓથી ઉતરાયણ પર્વે શહેરમાં ચાલીસ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે ચાર ના મોત નિપજ્યાં હતાં સાથે સાથે કેટલાય મૂંગા પક્ષીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા અને કેટલાક પક્ષીઓનાં મોત નિપજ્યાં હતાં છતાં પણ હજી પણ લોકોમાં જાગૃતતા આવી ન હોય તેવું જણાય છે ત્યારે શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં રહેતા બે યુવકો પતંગના દોરાથી ઇજાગ્રસ્ત થયા હતા જેમાં શહેરના હાથીખાના મેઇન રોડ ખાતે આવેલા હાથીખાના ચાલીમાં રહેતા મોહંમદ કેશ શેખ નામના આશરે 22 વર્ષીય યુવક તથા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા નવી ધરતી ખાતે રહેતા પાંત્રીસ વર્ષીય મયંક મફતભાઇ રાણા નામના યુવકોને મોટરસાયકલ પર જતાં હતાં તે દરમિયાન નવી ધરતી નવરંગ મહોલ્લા પાસે પતંગના દોરાથી ઇજાઓ પહોંચી હતી જેમાં મોહંમદ કેશ શેખને કાનના ભાગે દોરીથી ઇજા પહોંચી હતી જેથી તે લીહીલુહાણ થયો હતો જ્યારે મયંક રાણાને નાકના ભાગે દોરીથી ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર હેઠળ બંનેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.