શહેરના જાબુઆ બ્રિજ નજીક દૂધ લેવા ગયેલા સ્કૂટર ચાલક સગીરને ટ્રેલરે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયો
શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર રાત્રે નોકરી પરથી છૂટીને મોટરસાયકલ લઈને ઘરે આવતા યુવકના રસ્તામાં ડિવાઇડર કૂદીને કોઇક આવતા અચાનક કાબૂ ગુમાવી દેતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
(પ્રતિનિધિ) વડોદરા તા. 01
શહેરના બે અલગ અલગ બનાવમાં અકસ્માત સર્જાયો હતો જેમાં જાબુવા બ્રિજ નીચે સવારે દૂધ લેવા સ્કૂટર લઈને ગયેલા સગીરને ટ્રેલરે અડફેટે લેતાં તે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગેની કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં વાસણા ભાયલી રોડ થી નોકરી પરથી છૂટીને મોટરસાયકલ પર જતાં યુવકને ન્યૂ વીઆઇપી રોડ ખાતે ડિવાઇડરથી અચાનક કોઇ બાઇક આડે આવી જતાં બાઇક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગેની હરણી પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવમાં શહેરના જામ્બુવા ખાતે આવેલા આર્યન રેસિડેન્સીમા મકાન નંબર બી -151મા રહેતા રાજેન્દ્રભાઈ શાંતિલાલ વાળંદ પોતાના પત્ની, તથા બે દીકરા જેમાં 17 વર્ષીય હીરલ તથા 14 વર્ષીય પ્રિન્સ અને પિતા સાથે રહે છે અને ડ્રાઇવિંગ કરી છૂટક કામગીરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પિતાએ રોજીંદા કામકાજમાં ઉપયોગ માટે વર્ષ -2013મા હોન્ડા કંપનીનું પ્લેજર મોપેડ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીપી-1648 અપાવ્યું હતું.ગત તા. 11 ડિસેમ્બર,2024ના રોજ રાત્રે આઠેક વાગ્યે તેમનો મોટો દીકરો હિરલ આ મોપેડ લઈ જામ્બુવા હાઇવે પાસે દૂધ લેવા ગયો હતો તે દરમિયાન સવા આઠ વાગ્યે સોસાયટી ના એક વ્યક્તિએ ફોન કરી રાજેન્દ્ર ભાઇને જણાવ્યું હતું કે “તમારા દીકરાનો જામ્બુવા બ્રિજ નીચે અકસ્માત થયો છે” જેથી રાજેન્દ્ર ભાઇએ બનાવ સ્થળે પહોંચી જોતાં એમ.પી.ના ટ્રેલર જેનો રજીસ્ટ્રેશન નંબર એમ.પી.-13-ઝેડ એચ -9342 ના ચાલકે જામ્બુવા બ્રિજ નીચે હીરલને અડફેટે લેતાં જમણા પગમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો જે તે સમયે ટ્રેલરના માલિકે હોસ્પિટલ ખર્ચ આપવાની વાત કરતાં ફરિયાદ કરી ન હતી હીરલને પગમાં ફ્રેકચર હોવાથી તેનું ગત 20જાન્યુઆરીના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેથી આ અંગે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મૂળ વડોદરા જિલ્લાના બોડેલી તાલુકાના બોડેલી ઢોકલીયા ગામના વતની શહેરના ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા રાજીવનગર -02મા મકાન નંબર 65ખાતે રહેતા શીલાબેન કિશોરભાઇ બારીયા બે બાળકો સાથે રહે છે અને મજૂરી કામ કરે છે મોટો 20 વર્ષીય પુત્ર ધૃવ છે જ્યારે 2વર્ષની દીકરી પ્રિયાન્સી સાથે રહે છે.ગત તા.30મી જાન્યુઆરીના રોજ ધૃવ વાસણા ભાયલી રોડ ખાતે આવેલી ગ્રોર્સસ કોર્નર હાઇપર માર્ટ નામની કંપનીમાં બપોરે નોકરી પર મોટરસાયકલ રજીસ્ટ્રેશન નંબર જીજે -34-એમ-7554 લઇને ગયો હતો જ્યાંથી રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે નોકરી પરથી છૂટીને મોટરસાયકલ પર ન્યૂ વીઆઇપી રોડ ઉપર ખોડિયારનગર થી ઘરે આવતો હતો તે દરમિયાન જય માતાજી ફેબ્રિકેશનની સામે સામેના રોડથી ડિવાઇડર કૂદીને અચાનક એક અજાણ્યો ઇસમ મોટરસાયકલ સામે આવી જતાં ધૃવે મોટરસાયકલ ને બ્રેક લગાવી હતી જેના પગલે મોટરસાયકલ સ્લીપ થતાં ધૃવ ઇજાગ્રસ્ત થયો હતો જેથી આસપાસના લોકોએ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં શનિવારે સવારે 6 કલાકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી સમગ્ર બનાવ અંગે હરણી પોલીસે ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
