કારેલીબાગ વિસ્તારમાં આવેલા મીરા ચારરસ્તા પાસે પાર્ક કરેલા રોયલ ઇનફીલ્ડ બુલેટ જેની અંદાજે કિંમત રૂ 1,50,000ની ચોરી
શહેરના આજવારોડ એકતાનગર વિસ્તારમાંથી મુખ્ય રસ્તા પર પાર્ક કરેલ ટ્રક જેની આશરે કિંમત રૂ 2,50,000ની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 11
શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં જેમાં કારેલીબાગના મીરા ચારરસ્તા નજીકથી રોયલ ઇનફીલ્ડ બુલેટ તથા શહેરના આજવારોડ એકતાનગર વિસ્તારમાંથી ટ્રક મળીને બે વાહનોની અંદાજે કિંમત રૂ,4,00,000ના મતાની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં દિનપ્રતિદિન ઘરફોડ ચોરી, લૂંટફાટ, મારામારી, હત્યા, બળાત્કાર,શરાબનો વેપલો જેવા ગુનાઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે.ગુનાઇત પ્રવૃત્તિઓ કરતા ઇસમોને જાણે પોલીસ અને કાયદાનો ડર રહ્યો ન હોય તેવું જણાય છે.શહેરમા દરરોજ ચોરીના બનાવો બની રહ્યા છે અને સાથે સાથે વાહન ચોરીના પણ બનાવો બની રહ્યાં છે ત્યારે શહેરના બે અલગ વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં બે વાહનો જેમાં બુલેટ તથા ટ્રકની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પ્રથમ બનાવમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મીરા ચારરસ્તા પાસેના ઇન્દ્ર ડુપ્લેક્ષ ખાતે મકાન નંબર એ -5 માં રિશી રૂપેશ શાહ પોતાના પરિવાર સાથે રહે છે અને વાસુદેવ ગ્લોબલ નામની ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાના ઉપયોગ માટે વર્ષ -2021મા રોયલ ઇનફીલ્ડ કંપનીનું બ્લ્યુ અને બ્લેક કલરનુ બુલેટ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે-06-એનજી-2126ખરીધ્યુ હતું તેઓ ગત તારીખ 08મી ફેબ્રુઆરી,2025 ના રોજ બુલેટ લઈ રાત્રે નવેક વાગ્યે ખોડિયારનગર એરપોર્ટ પાસે ફ્રુટની ખરીદી કરવા ગયા હતા અને ત્યાંથી અમીતનગર સર્કલ પાસે કોફી પીધા પછી ફરીથી એરપોર્ટ સર્કલ પાસે એસ.બી.આઇ.ના એટીએમમા પૈસા ઉપાડવા ગયા હતા અને રાત્રે બારેક વાગ્યાની આસપાસ પોતાના ઘરે પરત આવ્યા હતા અને ઘરની બહાર ગેટ સામે બુલેટ પાર્ક કરી ઘરે સુઇ ગયા હતા બીજા દિવસે સવારે છ વાગ્યાની આસપાસ રિશીના માતા રેશ્માબેન શાહ ઘરની બહાર નિકળ્યા ત્યારે બુલેટ પાર્ક કરી હતી તે ન જણાતાં તેમણે પોતાના પુત્રને જાણ કરી હતી જેથી રિશી શાહે આસપાસ તપાસ કરવા છતાં બુલેટ ન મળતાં બુલેટ મોટરસાયકલ જેની આશરે કિંમત રૂ.1,50,000ની ચોરી થયાની ઓનલાઇન ફરિયાદ નોંધાવતા વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં, શહેરના આજવારોડ વિસ્તારમાં આવેલા એકતાનગર ખાતે ખ્વાજાનગર નુરાની મહોલ્લામાં રહેતા મોહમ્મદ અસલમ અબ્દુલ જલીલ શેખ પોતાના પરિવાર સાથે રહે છે અને પોતાના પરિવારના ગુજરાન માટે વર્ષ-2006મા ટાટા કંપનીના દસ વ્હીલ વાળી સેકન્ડ હેન્ડ ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -01-યુયુ-8975 ચલાવતા હતા.તેઓ ગત તારીખ 08ફેબ્રુઆરીના રોજ બપોરે અંદાજે ત્રણેક વાગ્યે ટ્રકનું ભાડું મારી પોતાના ઘરે પરત આવ્યા હતા અને આજવારોડ થી એકતાનગર તરફ આવવાના અંદરના મુખ્ય રસ્તા ઉપર ટ્રક લોક કરી પાર્ક કરી હતી અને પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ તા.10 ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યે ટ્રકના ભાડાની વરધી આવી હોવાથી તેઓ ઘરેથી જ્યાં ટ્રક પાર્ક કરી હતી ત્યાં ગયા હતા અને ત્યાં ટ્રક ન દેખાતાં આસપાસ તપાસ કરી હતી પરંતુ ટ્રક મળ્યો ન હતો જેથી દસ વ્હીલ ની ટ્રક જેની આશરે કિંમત રૂ,2,50,000ની ચોરી થયા અંગેની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
