વૃદ્ધા પાસેથી અડધા તોલાની સોનાની ચેઇન, સોનાની અંગુઠી તથા કાનની સોનાની બુટ્ટીઓ પ્લાસ્ટિકની થેલીમાં મૂકાવી થેલી લઈને ભાગી ગયા
સમગ્ર મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 05
શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલાને શનિવારે બપોરના સુમારે બે અજાણ્યા યુવકોએ હસ્તરેખા જોવાના બહાને વાતોમાં ભોળવી વૃદ્ધાની અડધા તોલાની સોનાની ચેઇન, સોનાની વીંટી તથા કાનની સોનાની બુટ્ટીઓ પ્લાસ્ટિકની થેલીમાં મૂકાવી આશરે રૂ.65,000ના ઘરેણાં લઈ ભાગી ગયા હોવાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સુબા ઇલાઇટ હોટલ પાછળ જૂના મોદીખાનામા જશોદાબેન શંકરભાઇ વાઘેલા નામના આશરે 67વર્ષીય વૃદ્ધા વડિલોપાર્જિત મકાનમાં દીકરા અને બે બહેનો સાથે રહે છે અને ફતેગંજ વિસ્તારમાં વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારને ત્યાં રસોઈ અને ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.તેઓ તા. 05 એપ્રિલ ને શનિવારે રોજીંદુ કામ પુરુ કરી પોતાના ઘર તરફ બપોરે આશરે એક વાગ્યાની આસપાસ જતાં હતાં તે દરમિયાન ફતેગંજ મેઇન રોડ પર હોટલ સુબા ઇલાઇટ આગળ ઝાડ નીચે ઉભેલા યુવકે દાંતના દવાખાના વિશે પૂછતાં વૃદ્ધાએ આટલામાં દાંતનું કોઈ દવાખાનું ન હોવાનું જણાવ્યું હતું તે દરમિયાન તે યુવક વૃદ્ધા સાથે ચાલવા માડ્યો હતો અને વૃદ્ધાને તેમનો હાથ બતાવવા તથા કોઇપણ કામ પૂરું થ ઇ જશે તેમ જણાવી મંત્ર બોલી મુઠ્ઠી બંધ કરાવી હતી અને ચ્હા પીવા જણાવતા વૃદ્ધાએ પોતાની પાસે ચ્હાના પૈસા ન હોવાનું જણાવતા આ વાતચીત દરમિયાન બીજો યુવક પણ ત્યાં આવ્યો હતો અને તેઓ જેમ કહે તેમ કરે તો વૃદ્ધાને ચ્હા પીવડાવવાની વાત કરી હતી તે દરમિયાન એક યુવકે વૃદ્ધાને સોનું કાઢીને થેલીમાં મૂકવા જણાવ્યું હતું જેથી વૃધ્ધાએ અડધા તોલાની સોનાની ચેઇન, સોનાની અંગુઠી તથા કાનની સોનાની બુટ્ટીઓ પ્લાસ્ટિકની થેલીમાં મૂકી હતી ત્યારબાદ એક યુવકે વૃદ્ધાને સોનાના દાગીના વાળી થેલી બીજા યુવકને આપી થાંભલા ફરતે ત્રણ રાઉન્ડ મારી માતાજીનું નામ લેવા જણાવી થેલીમાં આશરે રૂ 65,000ની કિંમતના દાગીના લઈ ભાગી ગયા હતા જેથી વૃદ્ધાએ દીકરાને જણાવતા દીકરાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી સમગ્ર મામલે ફતેગંજ પોલીસે બંને યુવકોના વર્ણનના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
