પાણીની લાઇનની કામગીરી દરમિયાન વીજ કેબલ કપાતાં બુધવારે બાપોદ જકાતનાકા વિસ્તારમાં સવારે 9:50 થી 12:20સુધી વીજકાપ
પાલિકા તંત્ર તથા વીજ કંપની વચ્ચે કામગીરીના સંકલનના અભાવે છેલ્લા બે દિવસથી નિર્દોષ જનતાને પરેશાન થવાનો વારો આવ્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 16
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતે રંગવાટિકા પાસે પાણીની લાઇનની કામગીરી દરમિયાન વીજ કેબલ કપાતાં બુધવારે સવારે 9:50 થી બપોરે 12:20 સુધી લોકોને ગરમીમાં પરેશાન થવાનો વારો આવ્યો હતો મંગળવારે પણ બે કલાક વીજકાપ રહ્યો હતો.પાલિકા તંત્ર તથા વિજ કંપની વચ્ચે કામગીરી ના સંકલનના અભાવે બે દિવસથી નાગરિકો ગરમીમાં પરેશાન થવા મજબૂર બન્યા છે.

હાલમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે માનવીઓ તથા મૂંગા પશુ પક્ષીઓ પરેશાન છે બીજી તરફ પાલિકા તંત્ર અને વીજ કંપની વચ્ચે કામગીરીના સંકલનના અભાવે શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને પરેશાની ઉઠાવવાનો વારો આવ્યો છે.શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતે આવેલા રંગવાટીકા નજીક આવેલા કૃષ્ણ કુંજ સોસાયટી અને વેદ રેસિડેન્સી પાસે પાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાકટ હેઠળ પાણીની લાઇન ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ શહેરના ઘણા વિસ્તારોમાં વીજ કંપનીના કેબલો અંડર ગ્રાઉન્ડ જમીનમાં આવેલા છે અહીં કોઇપણ પ્રકારની કામગીરી કરતા પહેલાં સ્માર્ટ પાલિકા તંત્ર દ્વારા વીજ કંપની સાથે જે તે વિસ્તારમાં ખોદકામ સહિતની કામગીરી કરતા પહેલાં સંકલન કરવું જોઈએ જેથી વીજ કેબલોને નુકસાન ન થાય કે કોઈ દુર્ઘટના ન સર્જાય સાથે જ લોકોને કાળઝાળ ગરમી વચ્ચે હાલાકી ભોગવવાનો વારો ન આવે પરંતુ પોતાને સ્માર્ટ પાલિકા તંત્ર કહેવડાવતુ તંત્ર અને તેના અધિકારીઓ દ્વારા વીજ કંપની સાથે કામગીરી અંગેની કોઇપણ પ્રકારની માહિતી આપ-લે સંકલન વિના જ આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રંગવાટીકા પાસેના વેદ રેસિડેન્સી અને કૃષ્ણકુજ સોસાયટી પાસે પાણીની લાઇન ની કામગીરી દરમિયાન વીજ કેબલ કપાતાં બાપોદ જકાતનાકા વિસ્તારમાં બુધવારે સવારે 09:50 થી બપોરે 12:20 સુધી વીજળી ગુલ થઇ જતાં વિસ્તારના નાગરિકોને ગરમીમાં પરેશાન થવાનો વારો આવ્યો હતો તે જ રીતે મંગળવારે પણ આ વિસ્તારમાં દોઢેક કલાક વીજ કાપથી લોકો પરેશાન થઇ ગયા હતા ખાસ કરીને બિમાર લોકો, આ વિસ્તારમાં આવેલા ઓફિસ, દુકાનોમાં વીજળી ગુલ થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.કોઇપણ પ્રકારની જાહેર સૂચના વિના જ કામગીરી કરવામાં આવે છે અને પાલિકા તંત્ર તથા વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે છેલ્લા બે દિવસથી પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત બાપોદ જકાતનાકા ના સમગ્ર એરિયામાં લોકો પરેશાન થઇ રહ્યા છે.
