એક તરફ શહેરમાં ચોરીની ઘટનાઓ બની રહી છે બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હિરાબાનગર સોસાયટીમાં ત્રણ દિવસથી સતત રાત્રે 12 વાગ્યાથી સ્ટ્રીટલાઇટો જ ગૂલ થઇ જાય છે.
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, ચોરી, વાહનચોરી પેટ્રોલ ચોરી જેવી ઘટનાઓ બની રહી છે બીજી તરફ સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય છે
જો વરસાદ દરમિયાન અંધારામાં સરિસૃપ જીવોથી કોઇને નુકશાન થાય કે ચોરીની ઘટના બને તો જવાબદાર કોણ?
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જો કે વડોદરામાં થોડા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. બીજી તરફ શહેરમાં રાત્રે ચોરીની, વાહન તથા પેટ્રોલ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ સ્થિત જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ હિરાબાનગરમા છેલ્લા ત્રણ દિવસથી રાત્રે સાડા અગિયાર બાદ સમગ્ર સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય છે. અહીં અંદાજે ચારસો થી વધુ મકાનો આવેલા છે નજીકમાં જ હાઇવે પણ આવેલો છે. અહીં ભૂતકાળમાં વાહનચોરી તથા ચાલુ વર્ષે મકાનમાં ચોરીની ઘટનાઓ બની ચૂકી છે અહીં છેલ્લા ત્રણ દિવસથી સતત રાત્રે જ સ્ટ્રીટ લાઇટો બંધ થઇ જાય છે. જો ચાલુ વરસાદ હોય અને રાત્રે અંધારપટ દરમિયાન કોઇ સરિસૃપ જીવોથી કોઇને નુકશાન થાય કે ચોરીની ઘટનાઓ બને તો તેના માટે જવાબદાર કોણ? પાલિકાનું સ્ટ્રિટલાઇટ વિભાગ કે પછી ઓપરેટર અથવા એમ જી વી સી એલ જવાબદાર? આ અંગે જાગૃત નાગરિક અને ગુજરાત મિત્રના રિપોર્ટર દ્વારા સ્ટ્રીટ લાઇટ શાખા પૂર્વ ઝોનમાં ફોન કરતાં એમ જણાવાયું હતું કે, સ્ટ્રીટ લાઇટના ટાઇમર માં ગડબડ થઇ હશે ટાઇમર સેટ કરવું પડશે. શહેરમાં રાત્રે હાઇવે નજીક આ વિસ્તાર પડે છે સાથે જ હિરાબાનગર પાછળ ખુલ્લું મેદાન આવેલું છે જ્યાં ચોમાસામાં પાણી ભરાઇ જાય છે અને તેમાં સરિસૃપ જીવો પણ જોવા મળે છે જો કે હાલમાં વરસાદ બંધ હોય કોઇ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી. પરંતુ અહીં રાત્રે કોઇ જાણી ને એમસીબી પાડી દઇ ટિખળ કરતું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ત્યારે આવા અંધારપટ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ?