Vadodara

શહેરના પૂર્વ વિસ્તારમાં સતત બે દિવસથી વારંવાર વીજકાપથી લોકો પરેશાન

વીજ કંપનીમાં ફોન કરતાં જણાવાયું કે, માણસો ન હોવાથી સવારે કામગીરી નથી થઇ શકતી માટે બપોરે જ્યારે માણસો આવે ત્યારે કામગીરી થાય છે તેવા ઉડાઉ જવાબો આપવામાં આવે છે

હાલ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. વડોદરા શહેરમાં પણ અસહ્ય ગરમી તથા ગરમીનો પારો ગગળ્યો હોવા છતાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય ઉકળાટ લોકો અનુભવી રહ્યાં છે. ગરમીની અસરના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ચના અંતથી અજદિન સુધીમાં પચાસ જેટલા લોકોના મૃત્યુ થયા છે સાથે જ કેટલાય લોકો લૂ, ઝાડા ઉલટી, બેભાન થવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસ.એસ.જી.હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં કેટલાક વિસ્તારોમાં વિજ પૂરલઠો વારંવાર ખોરવાઇ રહ્યો છે. અસહ્ય ગરમીને કારણે વીજમાંગ વધતાં વીજ ભારણ વધ્યું છે જેના કારણે અસંખ્ય જગ્યાએ ટ્રાન્સફોર્મર તથા ડીપીમા ફોલ્ટ સર્જાતા વીજપુરવઠો ખોરવાઇ જવાના બનાવો બની રહ્યાં છે.
છેલ્લા બે દિવસથી શહેરના પૂર્વ વિસ્તાર એવા વાઘોડિયારોડ બાપોદ જકાતનાકા વિસ્તારમાં સવારે 11 વાગ્યા થી વારંવાર વીજ પૂરવઠો ખોરવાઇ રહ્યો છે જેના કારણે બપોરે લોકો અસહ્ય ગરમીમાં પરેશાન થઇ રહ્યાં છે. ખાસ કરીને બીમાર, વૃધ્ધો, બાળકો નાના બાળકો હેરાન પરેશાન થઇ રહ્યાં છે. આજે ફરી એકવાર બપોરે 11 વાગ્યાથી વીજ પૂરવઠો ખોરવાતા અમારા ‘ગુજરાતમિત્ર’ ના સંવાદદાતાએ ઇન્દ્રપુરી જીઇબીના સબસ્ટેશનના પૂછપરછ વિભાગમાં ફોન કરતાં ત્યાં સૌ પ્રથમ તો ફોનની ઘંટડીઓ વાગવા છતાં જલ્દી ફોન રિસિવ કરાયો ન હતો અને જ્યારે ફોન ઉઠાવતા પૂછવામાં આવ્યું કે, વીજપુરવઠો ક્યારે આવશે અને શા કારણે બંધ છે ત્યારે ઇન્દ્રપુરી સબ સ્ટેશનમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે, વીજ ફોલ્ટ ગતરોજ સવારે થયો હતો તેની કામગીરી આજે કરવામાં આવી રહી છે સવારે કર્મચારીઓ નો અભાવ હોય છે તેઓ આવે ત્યારે કામગીરી કરીએ છીએ તે મુજબ જવાબ આપવામાં આવ્યો હતો અને સવા કલાક બાદ વીજપુરવઠો પુનઃ કાર્યરત થયો હતો અહીં બાપોદ જકાતનાકા વિસ્તારમાં વૈકુંઠ સોસાયટી, હિરાબાનગર સોસાયટી, પુષ્ટિપ્રભા સોસાયટી, જય અંબેનગર, રંગ વાટિકા, પ્રભુનગર સોસાયટી, તથા આસપાસના સોસાયટી વિસ્તારોમાં લોકો પરેશાન થઇ ગયા હતા. વીજ કંપનીમાં પૂરતા કર્મચારીઓના અભાવને કારણે સવારે ઠંડકભર્યા વાતાવરણમાં કામગીરી કરવાને બદલે બપોરે કામગીરી કરાતાં લોકો પરેશાન થઈ ગયા છે. એક તરફ હ્રદયરોગના દર્દીઓ, બીપી તથા બિમાર દર્દીઓ નાના બાળકોને છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં પરેશાન થવાનો વારો આવ્યો છે.

Most Popular

To Top