સોસાયટીમાં ચાલીસથી વધુ આવાસોમાં પાણીથી લોકોના ફર્નિચર,ઘરવખરીને નુકસાન
શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી ગૌરવ સોસાયટીમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર સોસાયટીમાં જળબંબાકાર થી નુકસાન થયું.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલી ગૌરવ સોસાયટી આવેલી છે જ્યાં ચાલીસથી પચાસ મકાનો આવેલા છે અહીં સોમવારે પાણીની લાઇનની કામગીરી દરમિયાન પાણીની લાઈનમાં એકાએક ભંગાણ સર્જાતા સોસાયટી ના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા.વગર ચોમાસે લોકોના મકાનોમાં પાણી ભરાતાં ઘણા લોકોના મકાનોમાં ફર્નિચર અને ઘરવખરીના સામાનને નુકસાન પહોંચ્યું હતું.અહી લોકોના વાહનોને પણ નુકસાન થયું હતું. લોકોએ પાણી ડહોળીને બહાર કામ અર્થે અવરજવર કરવાનો વારો આવ્યો છે.એક તરફ બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે ત્યાં બીજી તરફ ગૌરવ સોસાયટીના લોકોને ઠંડા ઘૂંટણ સમા પાણીમાં રહેવા ચાલવાનો વારો તંત્રના અને કોન્ટ્રાકટર ના પાપે આવ્યો છે જો કે સમગ્ર બનાવની જાણ સ્થાનિક કાઉન્સિલર તથા પૂર્વ સ્થાઇ સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાલિકાની સંલગ્ન ટીમને જાણ કરી કામગીરી હાથ ધરાવી હતી.