મૃતક યુવક પોતાના મિત્ર સાથે શેઠની મોટરસાયકલ પર જરોદ સાઇટ થી પરત ફરતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 30
શહેરના નેશનલ હાઇવે નંબર 48 પર દુમાડ ભવર હેરિટેજ સામે પોતાના શેઠની મોટરસાયકલ પર જરોદ સાઇટ પરથી મિત્ર સાથે પરત ફરી રહેલા યુવકનું અજાણ્યા વાહન ટક્કરે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે મોટરસાયકલ પાછળ બેઠેલા મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.સમગ્ર મામલે સમા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
રાજ્યમાં વાહન અકસ્માતના બનાવોના પ્રમાણમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે તેમાય છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક હજારથી વધુ પહોંચી છે જે એક ચિંતાનો વિષય બન્યો છે છતાં લોકજાગૃતિ અને તંત્રની કેટલીક અસુવિધાઓને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક યુવક અકસ્માતનો ભોગ બન્યો છે.મૂળ દાહોદ જિલ્લાના હિમાલા ગામના ડામોર ફળિયાનો અને હાલમાં શહેરના પ્રશંસા સ્કૂલ સામે ઝૂંપડામાં પરિવાર સાથે રહેતા ગોવિંદ તોલીયાભાઇ ડામોર રહેતો હતો અને છૂટક મજૂરી કરી પરિવારને મદદરૂપ બનતો હતો.ગત તા. 29 એપ્રિલના રોજ ગોવિંદ ડામોર પોતાના શેઠની મોટરસાયકલ જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -17-સીજી-0759 લઈને પોતાના મિત્ર સંજય ને મોટરસાયકલ પાછળ બેસાડીને જરોદની સાઇટ પરથી સાંજે આશરે પોણા સાત વાગ્યાની આસપાસ પરત ફરતા હતા તે દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા દુમાડ ભવર હેરિટેજ સામે થી પસાર થતા હતા તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગોવિંદ તથા સંજય મોટરસાયકલ સાથે રોડ પર પટકાયા હતા જેમાં ગોવિંદ ને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત ગોવિંદ ડામોર નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું જ્યારે સંજયને જમણા હાથે સામાન્ય ઇજાઓ થઇ હતી સમગ્ર ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત તથા ગોવિંદ ને 108 મારફતે એસ.એસજી.હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર મામલે સમા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદના આધારે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.