દરવાજાનો નકૂચો તોડી ઘરમાં તિજોરીમાંથી ચોરી કરી
સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર
(પ્રતિનિધિ) વડોદરા તા. 18
શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા હરિજનવાસમાં રહેતો પરિવાર મકાનના ઉપરના માળે સૂવા માટે ગયો અને ઘરમાંથી તસ્કરોએ મકાનના દરવાજાનો નકૂચો તોડી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી આશરે કુલ રૂ.1,12,500ના મતાની સાફસૂફી કરી ફરાર થઇ જતાં સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી.
શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય તેમ જણાય છે દિનપ્રતિદિન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ અને લૂંટફાટ સહિતના બનાવોમાં વધારો થયો છે ત્યારે શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા હરિજનવાસમાં પંકજભાઇ ચીમનભાઇ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે અને નવાયાર્ડ ખાતે ઇલેક્ટ્રિક લોકો શેડમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે તેઓ ગત તા. 05 મી ફેબ્રુઆરીના રોજ રાત્રે દસેક વાગ્યાની આસપાસ જમી પરવારીને મકાનના મુખ્ય દરવાજાને લોક કરી ઉપરના માળે સુવા માટે ગયો હતો અને બીજા દિવસે સવારે પાંચેક વાગ્યે નીચે આવ્યા હતા તે દરમિયાન દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં અને લોક નીચે પડેલું જણાયું હતું જેથી અંદર જઇને જોતાં ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરી નું લોક અને લોકર તૂટેલા હતા.તિજોરીમા તપાસ કરતાં તિજોરીના લોકરમાંથી સોનાની નાની બે બુટ્ટીઓ, સોનાની બંગડીઓ,પેન્ડલ, નાકમાં પહેરવાની ત્રણ કાંટી ઓ, વીંટી, ચાંદીના બે છડા, ચાંદીની ચાર કંદોરી,એક કંદોરો મળીને આશરે રૂ 90,500તથા રોકડ રકમ રૂ 22,000મળીને અંદાજે કુલ રૂ.1,12,500ના માલમતાની ચોરી થયાનું જણાયું હતું પરંતુ પંકજભાઇ ની તબિયત સારી ન હોવાથી જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી આ અંગે ગત તા.17ફેબ્રુઆરીના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.