ઇજાગ્રસ્ત યુવકને મિત્રે એમ્બ્યુલન્સ બોલાવી એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી
સમગ્ર મામલે મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
શહેરના દંતેશ્વર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો યુવક ગત તા.09 ફેબ્રુઆરીના રોજ રાત્રે પગપાળા ઘરે જતો હતો તે દરમિયાન ત્રણ ઇસમોએ આવી “તું કેસ કેમ પાછો લેતો નથી” તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો અને ત્યારબાદ એકે ધારિયા જેવા હથિયાર થી હૂમલો કરતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને તેના મિત્રે એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં મકરપુરા પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પ્રતાપનગર રોડ વિસ્તારમાં આવેલા દંતેશ્વર ખાતે અનુપમનગર ના મકાન નં.એ-23મા રહેતો રાજુભાઇ મોહનસિંહ ઠાકુર પોતાની માતા સાથે રહે છે અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.તે ગત તા. 09 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યાની આસપાસ દંતેશ્વર તળાવથી પગપાળા પોતાના ઘર તરફ જતો હતો તે દરમિયાન રસ્તામાં પોણા બારના સુમારે દંતેશ્વર ખાતે આવેલા બોમ્બે હાઉસિંગ વુડાના મકાન બહાર રોડ પર અમન નામનો યુવક તથા તેનો નાનો ભાઇ તથા બીજો એક અજાણ્યા ઇસમે રાજુભાઇને જણાવ્યું હતું કે “મારા ભાઇ અમન ઉપર અગાઉ કેસ કર્યો હતો તે પાછો કેમ નથી લેતો” તેમ જણાવી ત્રણેયે ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ અજાણ્યા ઇસમે રાજુને પકડી રાખ્યો હતો તે દરમિયાન અમનનો ભાઇ ક્યાંકથી ધારિયા જેવું તિક્ષણ હથિયાર લાવી કપાળના ભાગે મારતાં રાજુભાઇ ઇજાગ્રસ્ત થયો હતો તે દરમિયાન રાજુભાઇ નો મિત્ર મુન્નો આવી જતાં ત્રણેય જતાં જતાં ધમકી આપી હતી કે “આજે તો તું બચી ગયો છે બીજી વાર તને જીવતો નહીં છોડીએ” તેમ કહી જતાં રહ્યાં હતાં આ દરમિયાન રાજુભાઇ ના મિત્ર મુન્નાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને ત્યારબાદ ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત રાજુભાઇ ને એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં કપાળના ભાગે પાંચેક ટાંકા આવ્યા હતા તથા શરીરના ભાગે સામાન્ય ઇજા થઇ હોવાથી સારવાર આપવામાં આવી હતી આ સમગ્ર મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
