તરસાલી વિસ્તારમાં પરિવાર ઉપરના માળે સૂવા ગયો ને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ. 2,89,500ની ચોરી
શહેરના સયાજીપુરા સેવા કુંજ બંગલોમાં પરિવાર સામાજિક પ્રસંગે ભાવનગર ગયો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના, ટેબલેટ, રોકડ મળી આશરે કુલ રૂ 13,99,598ના મતાની ચોરી
માણેજા વિસ્તારમાં પરિવાર મકાન બંધ કરીને સામાજિક પ્રસંગમાં ગયો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના,આઇફોન,રોકડ તથા ડોલર મળીને આશરે કુલ રૂ 1,53,000ના મતાની ચોરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 10
શહેરના અલગ અલગ વિસ્તારો જેમાં શહેરના તરસાલી વિસ્તારમાં, સયાજીપુરા આજવારોડ તથા માણેજા વિસ્તારમાં અલગ અલગ બંધ મકાનમાંથી આશરે કુલ રૂ 18,42,098ના મતાની ચોરી થતાં વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે.શહેરમા પોલીસ પેટ્રોલિંગ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરા,કાયદાનો જાણે તસ્કરોને કોઈ જ ડર રહ્યો ન હોય તેમ દિનપ્રતિદિન તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે શહેરમાં છેલ્લા બે દિવસમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી તસ્કરોએ ચોરીની ઘટનાઓ ને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે.
પ્રથમ બનાવમાં, શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિર પાસેના મોતીનગર -2મા મકાન નંબર એ -152મા રહેતા પરીક્ષીત દીલીપભાઇ ભુજાડે પરિવાર સાથે રહે છે અને ગેંડા સર્કલ પાસે આવેલી આઇ.ટી.કંપનીમા ફરજ બજાવે છે તેમના પિતા નિવૃત્ત છે જ્યારે પત્ની પણ જોબ કરે છે તેઓ ગત તા. 06 ફેબ્રુઆરીના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના વાગ્યે ઘરના તમામ સભ્યો મકાનને તાળું મારી પહેલાં માળે સુવા માટે ગયા હતા અને બીજા દિવસે સવારે સાત વાગ્યે પરીક્ષીત ભાઇના પત્ની નીચે ગયા હતા જ્યાં તેમણે મકાનના દરવાજાનો નકુચો તૂટેલો અને દરવાજો ખુલ્લો જોતાં બુમો પાડી પોતાના પરિવારના સભ્યોને બોલાવ્યા હતા અને ઘરમાં જઇને જોતાં ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હતુ જેમાનો સામાન વેરવિખેર હાલતમાં હતો કબાટના ડ્રોવરમા ચેક કરતાં તેમાંથી સોનાનું મંગળસૂત્ર, સોનાની ચેઇન, સોનાની નથ, વીંટી,પેન્ડલ, સોનાની બે રીંગ, ચાંદીના કડા 12જોડી જેની આશરે કિંમત રૂ 2,54,500તથા રોકડ રકમ રૂ 35,000 મળીને આશરે કુલ રૂ 2,89,500ના મતાની ચોરી થયાની પોલીસ ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
બીજા બનાવમાં શહેરના આજવારોડ ખાતે આવેલા સયાજીપુરા ગામ સામેના સેવા કુંજ બંગલોમાં બંગલા નં.25મા રહેતા અમીતભાઇ પ્રદીપભાઇ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને તેમના પિતાની આજવા નિમેટા ગાર્ડન પાસે આવેલી વૃંદાવન હોટલ/ગેસ્ટહાઉસ ખાતે વેપાર કરે છે તેઓનો પરિવાર ગતરોજ પોતાની નાની બહેનની સગાઇ ભાવનગર ખાતે કરી હોવાથી વહેલી સવારે સાડા ચાર વાગ્યે પરિવાર સાથે મકાનને તાળું મારી ભાવનગર ખાતે લગ્નની તારીખ નક્કી કરવા માટે ગયા હતા જ્યારે અમીતભાઇ મકાનના પ્રથમ માળે સુઇ ગયા હતા સવારે આશરે સાડા પાંચ વાગ્યે મકાનમાંથી અવાજ આવતા તેઓ જાગી ગયા હતા અને બહેનના રૂમનો દરવાજો ખુલ્લો જોતાં અંદર જ ઇને જોતાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો જેથી બુમો પાડતા ગેલેરીમા ત્રણ અજાણ્યા ઇસમો હુડી જેકેટ તથા મોઢા પર રૂમાલ બાધેલા મોટરસાયકલ પર જતાં જોયા હતા જેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને જોતાં ત્યાં પણ તિજોરી અને લાકડાનું કબાટ ખુલ્લી હાલતમાં હતુ અને સામાન વેરવિખેર હાલતમાં હતો જેથી તેમણે પોતાના માતા પિતા અને બહેનને વાત કરતા તેઓ અડધા રસ્તેથી પરત દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતા સોનાની બંગડીઓ, મંગળસૂત્ર,પેન્ડલ, સોનાની રીંગ,ચેઇન,લેડીઝ રીંગ,પેન્ડીગ બુટ્ટી મળીને સોનાના આશરે 135.88 ગ્રામ વજનના દાગીના જેની અંદાજે કિંમત રૂ,4,92,626, સફેદ ડાયમંડની રીંગ જેની અંદાજે કિંમત રૂ.78,000,ચાદીની પાયલો, ચાદીની કડલી મળી આશરે 164.50 ગ્રામ વજનના ચાંદીના દાગીના જેની અંદાજે કિંમત રૂ.15,473,રેડમી કંપનીનું ટેબલેટ જેની અંદાજે કિંમત રૂ. 13,499, રોકડ રકમ રૂ 8,00,000 મળી આશરે કુલ રૂ.13,99,598ની મતાની ચોરી ગયાની ફરિયાદ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં કરાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં, શહેરના માણેજા વિસ્તારમાં આવેલા સંસ્કાર વાટીકા સોસાયટી સામે ભક્તિ પ્લેનેટ બંગલોમાં મકાન નં16મા રહેતા દીપકભાઇ ભગવાનદાસ પટેલ પરિવાર સાથે રહે છે અને તેઓ અમેરિકા રહેતા હોય એન આર આઇ છે તેઓ ગત તા. 02-11-2024 ના રોજ પત્ની સાથે યુ.એસ.એ.થી વડોદરા પોતાના ઘરે આવ્યા હતા ગત તા. 04ફેબ્રુઆરીના રોજ સાડા ચારે બપોરે તેમના પત્ની કારેલીબાગ ખાતે રહેતા પોતાના સહેલીના ઘરે ગયા હતા તથા દિપકભાઇ રાત્રે પોતાના મોસાળ ભરુચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલા અવિધા ગામે લગ્ન પ્રસંગ હોવાથી મકાનને તાળું મારી ગયા હતા ગત 06 ફેબ્રુઆરીના રોજ દીપકભાઇના પત્ની સાંજે પોતાના ઘરે આવ્યા ત્યારે ઘરના બહાર લોક તૂટેલું અને દરવાજો ખુલ્લો હતો અંદર જઇને જોતાં ઘરમાં ચોરી થઇ હોવાનું જણાતા તેમણે પોતાના પતિને જાણ કરી બોલાવ્યા હતા ઘરની તિજોરીમાંથી તપાસ કરતા યુ.એસ. ડોલર ,સોના ચાંદીના દાગીના,ચાર જૂની કાંડા ઘડિયાળ, આઇફોન, રોકડ રકમ રૂ 3000 મળીને કુલ રૂ.1,53,000ના મતાની ચોરીની ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
