Vadodara

શહેરના ટ્રાફિક સિગ્નલો પર બાળ મજૂરી અને ભિક્ષાવૃત્તિ ચિંતાજનક સ્તરે

ગત વર્ષે વડોદરા શહેર પોલીસ દ્વારા 39 બાળકોને રેસક્યું કરાયા હતા

ટ્રાફિક સિગ્નલો પર ભિક્ષા માગતા અને મજૂરી કરતા બાળકોનુ ભવિષ્ય અંધકારમય

વડોદરા શહેરમાં ભિક્ષાવૃત્તિ અને બાળ મજૂરીનો મુદ્દો ઘણા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા અગાઉ ભિક્ષા માગતા બાળકોને બચાવી તેમને શિક્ષણ તરફ વાળવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 39 બાળકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે મોકલવામાં આવ્યા હતા. પરંતુ એક વર્ષ બાદ પણ સ્થિતિમાં કોઇ મોટો ફેરફાર આવ્યો નથી. આજે પણ શહેરના અનેક ટ્રાફિક સિગ્નલો પર નાના ભૂલકાઓ ભિક્ષા માગતા અને બાળ મજૂરી કરતા જોવા મળે છે. વડોદરા શહેરમાં વિવિધ ટ્રાફિક સિગ્નલો પર બાળ ભિક્ષાવૃત્તિ અને બાળ મજૂરી એક ગંભીર સમસ્યા બની ગઈ છે. એક વર્ષ પહેલા કરવામાં આવેલા પ્રયાસો સમયાંતરે જલદી શાંત પડી ગયા, પણ સમસ્યા યથાવત રહી. હવે સમય છે કે પોલીસ અને સ્થાનિક તંત્ર મળીને એક સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કામ કરે એ જરૂરી બન્યું છે. આવું નહીં થાય તો આવા નાના ભૂલકાઓનું ભવિષ્ય અંધકારમય બની રહેશે.

ગત વર્ષે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી બાદ અપેક્ષા હતી કે આવા બાળકોની સંખ્યા ઘટશે, પરંતુ હકીકત એ છે કે હવે કેટલાક નવા ટ્રાફિક સિગ્નલો પર પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે, જ્યાં અગાઉ આ પ્રકારની પ્રવૃત્તિ નહોતી. વાસ્તવમાં, કેટલાક બાળકો હવે ફક્ત ભિક્ષા માગતા જ નહીં, પણ ક્યારેક સિગ્નલ પર ઉભેલા વાહનચાલકોને પરેશાન કરતા કે ઉપદ્રવ મચાવતા પણ જોવા મળે છે. આવા કિસ્સાઓમાં મોટાભાગના બાળકો માટે શિક્ષણનો અભાવ મુખ્ય કારણ છે. તેમનું બાળપણ એક સુરક્ષિત અને આરામદાયક જીવનને બદલે રસ્તાઓ પર ભિક્ષા માગવામાં વીતે છે. આ માત્ર સામાજિક સમસ્યા નથી, પણ ભવિષ્યમાં આ બાળકો માટે એક ગંભીર સંકટ ઊભું કરી શકે છે.

એક મહત્વનો પ્રશ્ન એ પણ ઉઠે છે કે આવા બાળકો કઈ પરિસ્થિતિમાં સિગ્નલ પર ભિક્ષા માગવા માટે મજબૂર થાય છે? કેટલાક કિસ્સાઓમાં નાના બાળકો પોતાની માતા કે અન્ય કોઇ પરિવારના સભ્ય સાથે ભિક્ષા માગતા જોવા મળે છે. પરંતુ હકીકતમાં એ બાળકો તેમના જ માતા-પિતા સાથે છે કે તેઓ હ્યુમન ટ્રાફિકીંગનો શિકાર બન્યા છે, તે તપાસવાનો વિષય છે. કારણ કે અગાઉ કાર્યવાહી થયા બાદ પણ શહેરમાં આજે પરિસ્થિતિ યથાવત સાથે વધી પણ છે.

સાત-આઠ મહિનાના બાળકને માતા ખોળામાં લઈને ટ્રાફિક સિગ્નલ પર બેઠી હોય ત્યારે એક સવાલ એ પણ થાય કે એ બાળકો હાઈવે અને ટ્રાફિકના મોટા અવાજ વચ્ચે કેવી રીતે સૂઈ શકે? શું આ બાળકોને શાંત રાખવા માટે કોઇ નશીલા પદાર્થો આપવામાં આવે છે? આ એક ગંભીર પ્રશ્ન છે. અગાઉ વડોદરા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં 39 બાળકો બચાવી લેવાયા હતા, પણ એ પગલાં પૂરતા સાબિત થયા નહીં. ત્યારે હવે સવાલ એ છે કે શું પોલીસ ફરી એકવાર આ અભિયાન શરૂ કરશે? અને શું આ વારંવાર થતી સમસ્યાને સંપૂર્ણ રીતે દૂર કરી શકશે? માત્ર ભૂલકાઓને રેસ્ક્યૂ કરવું પૂરતું નથી, તેમને યોગ્ય શિક્ષણ અને એક સુરક્ષિત જીવન આપવું વધુ મહત્વનું છે.

Most Popular

To Top