શહેરના સંવેદનશીલ વિસ્તાર ભદ્રકચેરી, પાણીગેટ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત…
નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન
*શહેરના જૂનીગઢી ખાતે બિરાજમાન શ્રીજીની શુક્રવારે સાતમા દિવસે વિસર્જનયાત્રા યોજાઇ હતી તેના આગલા દિવસે શહેર પોલીસે દ્વારા સમગ્ર રૂટમાં ફૂટમાર્ચ યોજ્યુ હતું શુક્રવારે સાંજે જૂનીગઢી યુવક મિત્ર મંડળ દ્વારા સ્થાપિત શ્રીજીની વિસર્જનયાત્રા પહેલાં ભાજપ શહેર પ્રમુખ ડો.વિજય શાહ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળુભાઇ શુકલ, ભાજપના શહેર મહામંત્રી સત્યેન કુલાબકર , મ્યુનિ. કાઉન્સિલર હેમિષાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર તથા અન્ય આગેવાનો દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે જૂનીગઢીના શ્રીજીની વિસર્જનયાત્રા નિકળી હતી જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાયા હતા. શ્રીજીનુ ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિસર્જનયાત્રા દરમિયાન પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સાંજે સાત વાગ્યાની આસપાસ જૂનીગઢીના શ્રીજીની વિસર્જનયાત્રા ભદ્રકચેરી થી પાણીગેટ દરવાજા ત્યાંથી જમનાબાઇ હોસ્પિટલ થઇ માંડવી ખાતે શાંતિપૂર્ણ રીતે પસાર થઇ હતી. સંવેદનશીલ વિસ્તારમાંથી શાંતિપૂર્ણ રીતે જૂનીગઢી શ્રીજીની યાત્રા પસાર થતાં પોલીસ તથા પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. શહેર પોલીસ દ્વારા ભદ્રકચેરી થી પાણીગેટ માંડવી વચ્ચેના સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પોઇન્ટ્સ, પતરાની આડાશો ગલીઓમાં કરી હતી પોલીસ દ્વારા બોડીવોર્મ કેમેરા તથા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી સુરત જેવી કોઇ ઘટના બને નહીં. શહેર પોલીસ કમિશનર તથા શહેરના ચાર ઝોનના ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ આ વિસર્જનયાત્રા દરમિયાન ખડેપગે રહ્યાં હતાં. ત્રણ વાગ્યા બાદ આ રૂટ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જૂનીગઢી થી શ્રીજીની વિસર્જનયાત્રા નિકળી હતી જે ભદ્રકચેરી, પાણીગેટ, માંંડવી થઇ લહેરીપુરા થી ન્યાયમંદિર પત્થરગેટ થઇ રાજમહેલરોડ થી નવલખી કૃત્રિમ તળાવ ખાતે શ્રીજીનુ વિસર્જન રાત્રે થશે.