Vadodara

શહેરના જૂના પાદરારોડ સ્થિત રાજવી ટાવરના ચોથા માળે આગ લાગતા અફરાતફરી

ઓફિસમાં ફાયર સિસ્ટમ, સાધનો કાર્યરત ન હોવાનું બહાર આવ્યું છે

ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ કામે લાગી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

વડોદરા શહેરના જૂના પાદરારોડ ખાતે આવેલા રાજવી ટાવરના ચોથા માળે આવેલી સન શી ઇન્ફો સોલ્યુશન પ્રા.લિ.નામની ઓફિસમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. સમય સૂચકતા વાપરીને ઓફિસમાં હાજર સ્ટાફ સલામત રીતે બહાર નિકળી આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ બનાવના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ત્રણ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો.
થોડાક દિવસો પહેલા રાજકોટ ખાતે એક ગેમઝોનમા મોટી ગોઝારી આગની દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા હતા. તક્ષશિલા ક્લાસિસ સુરત અગ્નિકાંડ બાદ રાજકોટ ખાતે મોટી દુર્ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો હતો જેના પગલે પાંચ મહાનગરોના ગેમઝોન, મોલ્સ, થિયેટર, સહિતની ઇમારતોમાં ફાયર એન ઓ સી સહિતના રિપોર્ટ આપવાની સૂચના અપાતા. વડોદરા મહાનગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમો દોડતી થઇ હતી અને અનેક, દુકાનો, ઉંચી ઇમારતો પબ્લિક પ્લેસ સહિત હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ, કોમ્પલેક્ષ, સરકારી, અર્ધ સરકારી, ખાનગી ઇમારતો, શાળા કોલેજો, કંપનીઓ વિગેરેમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે છે કે કેમ તથા ફાયર એન ઓ સી ,એન ઓ સી રિન્યુ વિગેરે ની તપાસ શરૂ કરવામાં આવી હતી અને ઘણાં બધાં એકમોને નોટિસો ફટકારવામાં આવી હતી સાથે સાથે નિયત મુદત દરમિયાન જો યોગ્ય પગલાં ન લેનારા વિવિધ એકમોના વીજ, પાણીના જોડાણો પણ કાપવામાં આવ્યા હતા જે તપાસ કામગીરી હજી પણ ચાલી રહી છે તેમ છતાં વડોદરા શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં અલકાપુરી ખાતે એક કપડાની દુકાન તે અગાઉ રાવપુરા ખાતે મેડિકલ ની બે માળની દુકાન સહિત અન્ય જગ્યાએ આગના બનાવો બન્યા છે. ચોમાસામાં પણ આ સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે છતાં પણ હજી ઘણી ખરી ઇમારતોની ઓફિસોમાં ફાયર સિસ્ટમ, ફાયર એન ઓ સી વિના જ જોખમી રીતે ચાલતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે ત્યારે આજે શહેરના ઓ.પી.રોડ ખાતે આવેલા રાજવી ટાવરના ચોથા માળે એક ખાનગી ઓફીસ સન શી ઇન્ફો સોલ્યુશન્સ પ્રા.લિ.નામની ઓફિસમાં કોન્ફરન્સ રૂમ ખાતે જ્યારે કર્મચારીઓ નાસ્તા, જમવાની તૈયારીઓ કરતા હતા તે દરમિયાન અચાનક આગ લાગી હતી જો કે સમય સૂચકતા વાપરી ઓફીસ સ્ટાફ નીચે ઉતરી આવ્યો હતો. આગ એટલી હદે વિકરાળ હતી કે ચાર ફાયરબ્રિગેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડના ઓફિસરના જણાવ્યા અનુસાર ઉપર ઓફિસમાં ફાયર સિસ્ટમ તથા ફાયરના સાધનો જ કાર્યરત ન હતા. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કિટ હોવાનું જાણવા મળ્યું છે જો કે કેટલું નુકશાન થયું છે તે આ લખાય છે ત્યાં સુધી જાણી શકાયું નથી કારણ કે આગ પર કાબૂ બાદ પણ ઓફિસમાંથી ધૂમાડા નિકળવાના ચાલુ હોય ઉપર કેટલું નુકશાન થયું છે તે જાણી શકાયું ન હતી.

Most Popular

To Top