યુવક અગાઉ એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતો હતો અને ચારેક દિવસથી નોકરી છોડી દીધી હતી
ઘરમાં કોઇ હાજર ન હતું તે દરમિયાન ગત તા.16મી જાન્યુઆરીના રોજ મકાનના ત્રીજા માળે સાડી વડે ફાંસો ખાધો
(પ્રતિનિધિ) વડોદરા તા. 17
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર વિસ્તારમાં એક યુવકે કોઇક અગમ્ય કારણોસર પોતાના ઘરના ત્રીજા માળે સાડી વડે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ થતાં વારસિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના પૂર્વ વિસ્તારમાં ન્યૂ વીઆઇપી રોડ ખાતે આવેલા ખોડિયારનગર વિસ્તારના રાજીવનગર -1મા પરિવાર સાથે રહેતા 26 વર્ષીય હિતેશકુમાર નગીનભાઇ સોલંકી નામના યુવકે ગત તા. 16મી જાન્યુઆરીના રોજ સાંજે સાડા સાત વાગ્યાની આસપાસના સુમારે જ્યારે ઘરમાં કોઇ ન હતું તે દરમિયાન મકાનના ત્રીજા માળે છતના હૂકમા સાડી વડે ફાંસો ખાઇ લીધો હતો.સાજે જ્યારે મોટો ભાઇ જે શહેરના ગોરવા જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે તે અને તેમના ધર્મપત્ની જેઓ ડભોઇ ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેઓએ આવીને જોતાં હિતેશભાઇ ને લટકેલી હાલતમાં જોતાં આસપડોશના લોકોને બોલાવી રૂમની મુખ્ય જાળી જે અંદરથી બંધ હતી તેને હલાવીને ખોલી હિતેશને નીચે ઉતાર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.બનાવની જાણ થતાં વારસિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. મૃતક હિતેશના મોટા ભાઇના જણાવ્યા મુજબ, હિતેશ ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો હતો અને તરસાલી આઇટીઆઇ નો અભ્યાસ કર્યો હતો તથા એલ એન્ડ ટી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા હતા તેણે ચાર દિવસ પહેલા જોબ છોડી દીધી હતી. મૃતકના પિતા શહેરના સરદારભુવન ખાતે દુકાનમાં કપડાં સિલાઈ નું કામ કરે છે તેઓ દુકાન પર હતા જ્યારે તેની માતા ગૃહિણી છે જેઓ પોતાની દીકરીના સાસુ બિમાર હોય ગાંધીનગર ગયા હતા. મોટો ભાઇ તથા ભાભી પણ જોબ પર ગયા હતા તે દરમિયાન ઘરમાં કોઇ હાજર ન હતું તે દરમિયાન હિતેશે મકાનના ત્રીજા માળે આ પગલું ભર્યું હતું. હાલમાં વારસિયા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.