બંગાળની ખાડી પર સર્જાયેલા વરસાદી સિસ્ટમ ને કારણે આગામી તા.25 સપ્ટેમ્બર સુધી તેમજ તા.28 સપ્ટેમ્બર થી 04 ઓક્ટોબર દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની આગાહી
(પ્રતિનિધિ) વડોદરા તા.23
રાજ્યમાં આગામી તા.25 સપ્ટેમ્બર તથા તા.28 સપ્ટેમ્બર થી આગામી 04 ઓક્ટોબર દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની હવામાન વિભાગ ની આગાહી વચ્ચે વડોદરા શહેરમાં મંગળવારે સાંજે કેટલાક વિસ્તારોમાં જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ, આજવારોડ તથા માંજલપુર, તરસાલી, મકરપુરા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડયા હતા સાથે જ શહેરમાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
બંગાળની ખાડીમાં હાલ નવી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે જે ડીપ્રેશનમા ફેરવવા તરફ આગળ વધી રહી છે. એક તરફ ઉત્તર ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ચોમાસાએ વિધિવત વિદાય લીધી છે અને ત્યાં એન્ટી સાયક્લોન પણ બની ગયું હોવાથી હવે વરસાદની શક્યતા નહિવત્ છે.પરંતુ બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે તે હવે ડીપ ડિપ્રેશન તરફ આગળ વધી રહી છે જેના કારણે હાલમાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તથા મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ ની આગાહી અનુસાર આગામી તા.25 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડશે. આગામી તા.28 સપ્ટેમ્બર થી તા.04 ઓક્ટોબર દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કે જ્યાં કેટલાક ભાગોમાં વરસાદ ઓછો રહ્યો હતો ત્યાં પણ મધ્યમ થી ભારે વરસાદ થવાની શક્યતા છે સાથે જ પવનની ગતિ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર સુધી રહેવા સંભવ છે. દરિયાઇ પટ્ટી વિસ્તારમાં પણ ભારે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ચોમાસું વિદાય લેતા લેતાં પણ નવરાત્રી અને દશેરામાં દખલ કરે તેવી શક્યતા છે ત્યારે મંગળવારે વડોદરા શહેરમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ શહેરના કેટલાક વિસ્તારોમાં જેમાં પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ, આજવારોડ, દક્ષિણ વિસ્તારમાં તરસાલી, માંજલપુર, મકરપુરા,કલાલી,સમયાલા સહિતના વિસ્તારોમાં પોણા કલાક સુધી હળવા વરસાદી ઝાપટા પડયા હતા જેના કારણે રોડ તથા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.જો કે અન્ય કેટલાક વિસ્તારોમાં બિલકુલ વરસાદ પડ્યો ન હતો. મંગળવારે રાત્રે વરસાદ રહેવાની સંભાવના છે. બીજી તરફ શહેરના ગરબા આયોજકો અને ગરબા ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. કેટલાક મોટા ગરબા મેદાનમાં જેમાં યુનાઈટેડ વે તથા લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાનમાં કીચડ હોવાથી ખેલૈયાઓએ રિફંડ માંગી લીધું છે. મંગળવારે વાદળછાયા વાતાવરણ તથા કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વચ્ચે શહેરમાં મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું સાથે જ લઘુત્તમ તાપમાન 27.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 54% જેટલું રહેવા પામ્યું હતું.