રવિવારે રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ઢોર પાર્ટીએ પશુ પકડતા પશુ માલિક દ્વારા પશુને છોડાવવા અવરોધ ઊભો કરાયો
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર પાર્ટી દ્વારા શહેરના આજવારોડ ખાતે આવેલા ભાઇકાકા પાર્ટી પ્લોટ નજીકથી રખડતાં પશુને પકડતાં પશુ માલિક દ્વારા ઇરાદાપૂર્વક પશુને રખડતાં મૂકી પકડાયેલા પશુને છોડાવવા પાલિકાના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરતા તે પશુ માલિક વિરુદ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકા ના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર ડબ્બા શાખામાં ઇન્ચાર્જ કેટલપોન્ડ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ જશરાજ સિંહ ઝાલા તથા ઢોર પાર્ટીના સુપરવાઈઝર નિતીનભાઇ શિરતુરે તથા ટીમ દ્વારા ગત તા. 23 મી માર્ચના રોજ રાત્રે 9:50 કલાકે શહેરના આજવારોડ ભાઇકાકા પાર્ટી પ્લોટ નજીકથી રખડતાં પશુને પકડી લાલબાગ ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યું હતું આ દરમિયાન ઇરાદાપૂર્વક રખડતાં પશુ મૂકી દેનાર પશુ માલિક મુકેશ મથુરભાઈ પટેલ (રહે.મણીભાઇ પાર્ક સયાજીપુરા બસ સ્ટેન્ડ પાસે) એ પશુને છોડાવવા પાલિકાના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો થાય તેવું કૃત્ય કર્યું હોય સમગ્ર મામલે પશુ માલિક વિરુદ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, ઇરાદાપૂર્વક રખડતાં મૂકનાર પશુપાલકો વિરુદ્ધ કાર્યવાહી ક્યારે?
શહેરમા ઘણા વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તરસાલી, આજવારોડ, હરણી,સમા, વાઘોડિયારોડ વિસ્તારમાં રખડતાં પશુઓ રાહદારીઓ અને વાહનદારીઓ માટે જોખમી બની રહ્યાં છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી નથી જ્યારે કોઈ ઘટના બને ત્યારે દોડતું તંત્ર રખડતાં ઢોર અને તેના માલિકો સામે કાર્યવાહી કરવામાં નિષ્ક્રિય જણાઇ રહ્યું છે સરવાળે ટેક્સ ભરતા વાહનચાલકો અને રાહદારીઓને રસ્તામાં રખડતાં પશુઓથી જોખમ રહેલું છે.વડોદરા મહાનગરપાલિકાના દબાણ અને સિક્યુરિટી વિભાગ હસ્તકના ઢોર પાર્ટી દ્વારા શહેરમાં રખડતાં પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવે છે ત્યારે પશુપાલકો દ્વારા તેઓના રખડતાં પશુઓને છોડાવવા પાલિકાના કર્મચારીઓની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે અને ઘણીવાર ઘર્ષણમાં ઉતરતા હોય છે તથા કેટલીકવાર તો જાહેર માર્ગો પર સિસોટીઓ વગાડી બાઇકો ઉપર ચિચિયારીઓ પાડી પોતાના પશુઓને અન્ય લોકોને જોખમાય તે રીતે ભગાડી લઇ જતાં હોય છે ત્યારે આવા પશુ માલિકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
