શહેરના ગોત્રી વિસ્તારમાંથી 71, અટલાદરામાંથી 03, જૂના પાદરારોડ ખાતેથી -06, માંજલપુરમાંથી 06 તથા હરણી વિસ્તારમાંથી 15નંગ બેટરીની ચોરી
અલગ અલગ કંપનીની 101 બેટરીની કિંમત રૂ 5,12,700ના મુદ્દામાલની ચોરીની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
(પ્રતિનિધિ) વડોદરા તા. 16
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક સિગ્નલ પોઇન્ટ્સ તેમજ અન્ય સ્થળોએ સીસીટીવી કેમેરા, ટ્રાફિક સિગ્નલ તેમજ વી.એમ.ડી. ડિસ્પ્લે ને પાવર સપ્લાય કરવા માટે અલગ અલગ વોલ્ટેજ સાથેની વિવિધ કંપનીની બેટરી મૂકવામાં આવી હતી જેનું સુપરવિઝન વડોદરા મહાનગરપાલિકા તથા સિટી કમાંડ એન્ડ કંટ્રોલ રૂમમાં આવેલા આઇ ટી વિભાગ દ્વારા તેનું સુપરવિઝન કરવામાં આવે છે તથા ફિલ્ડ ઓફિસરો દ્વારા બેટરીની ચકાસણી કરવામાં આવતી હોય છે ત્યારે શહેરના ગોત્રી, અટલાદરા,જૂના પાદરા રોડ, માંજલપુર તેમજ હરણી વિસ્તારોમાંથી કુલ 101બેટરી જેની અંદાજે કિંમત રૂ 5,12,700ના મતાની ચોરી થઇ હોવાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ટ્રાફિક સિગ્નલ પાસે તેમજ અન્ય પોઇન્ટ્સ પર સીસીટીવી કેમેરા તેમજ વી.એમ.ડી.ડિસ્પ્લે લગાડવામાં આવેલા છે જેના પાવર સપ્લાય માટે જંક્શન બોક્ષ બનાવાયા છે જેમાં અલગ અલગ વોલ્ટેજ સાથેની વિવિધ કંપનીની બેટરી મૂકવામાં આવી હતી જેનું સુપરવિઝન વડોદરા મહાનગરપાલિકાના આઇટી વિભાગ દ્વારા કરવામાં આવે છે અને તેની ચકાસણી ફિલ્ડ ઓફિસરો દ્વારા કરવામાં આવે છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાંથી બેટરીની ચોરી થયાનું બહાર આવ્યું છે જેમાં સૌથી વધુ ગોત્રી વિસ્તારમાંથી 71જેટલી બેટરી ચોરાઇ છે જેમાં ઘડિયાળી સર્કલ ખાતે થી એચબીએલ કંપનીની 20નંગ બેટરી,તેમજ બાજુમાં આવેલા ટ્રાફિક સિગ્નલ પાસે થી એચબીએલ કંપનીની 08નંગ બેટરી,નિલામ્બર સર્કલ પાસેથી એચબીએલ કંપનીની 20નંગ બેટરી, વાસણા પંચમુખી હનુમાનજી મંદિર પાસેથી એચબીએલ કંપનીની 20નંગ બેટરી તથા વાસણારોડ સંત કબીર સ્કૂલ પાસેથી એચબીએલ કંપનીની 03નંગ બેટરી મળીને કુલ 71નંગ બેટરી જેની કિંમત રૂ 3,62,100ની ચોરી થઇ હોવાની ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.જ્યારે અટલાદરા વિસ્તારમાં ખિસકોલી સર્કલ પાસેથી કલાલી ત્રણ રસ્તા પાસેના ડિવાઇડર પાસેથી અલગ અલગ કંપનીની કુલ 03નંગ બેટરી જેની કિંમત રૂ 15,000ની ચોરી થયાની અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલા તાંદલજા માં દારુઉલુમ મસ્જિદ પાસે કિસ્મત ચોકડી પાસેથી એચબીએલ કંપનીની 03નંગ બેટરી તથા સંતોષનગર રિલાયન્સ મોલની પાછળ આવેલા મેદાનના ખુણા પાસેથી 03નંગ બેટરી મળી કુલ 06 નંગ બેટરી જેની કિંમત રૂ 30,600ના મતાની ચોરી થયાની જે પી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.તે જ રીતે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા મુક્તિધામ મેદાન પાસેના કોટ નજીકથી એચબીએલ કંપનીની 03નંગ બેટરી તથા વડસર બ્રિજ ચઢતા મકરપુરા જીઆઈડીસીમાં જવાના નાકેથી એક્સાઇડ કંપનીની 03નંગ બેટરી મળી કુલ 06નંગ બેટરી જેની કિંમત રૂ 30,000ની ચોરી થયાની જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
જ્યારે શહેરના હરણી વિસ્તારમાં અમીતનગર ચારરસ્તા થી માણેક પાર્ક સર્કલ ચારરસ્તા બસસ્ટેન્ડ તરફ આવતા ટર્નિગ પાસે વી.એમ.ડી.જંક્શન બોક્ષમાથી તપાસ કરતાં વી.એમ.ડી.ડીસ્પ્લેને સપ્લાય કરતી એમરોન કંપનીની કુલ 15નંગ બેટરી જેની કિંમત રૂ 75,000ની ચોરી થયા અંગેની પાલિકાના આઇટી વિભાગમાં કામ કરતા કર્મી દ્વારા હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે.
સીએમએસ હેઠળ જીએનએફસી દ્વારા દરેક જંક્શન બોક્ષમાં બેટરી મૂકવામાં આવી હતી અને ચકાસણી કરવામાં આવે છે
સમગ્ર વડોદરા શહેરના ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા તથા વી.એમ.ડી.ડીસ્પ્લેને પાવર સપ્લાય માટે બેટરી મૂકવાની કામગીરી સી એમ એસ અંતર્ગત જી એન એફ સી દ્વારા કરવામાં આવી હતી જેના માટે લોક એન્ડ કી સાથેના જંક્શન બોક્ષમાં અલગ અલગ કંપનીની બેટરી મૂકવામાં આવી હતી જેથી જ્યારે પણ પાવર સપ્લાય બંધ થાય ત્યારે આ બેટરી થી સીસીટીવી કેમેરા ટ્રાફિક સિગ્નલ કે વીએમડી ડીસ્પલે ચાલતા હતા જેની દર અઠવાડિયે ચેકીંગ કામગીરી કરવામાં આવતી હતી હવે જ્યાં જંક્શન બોક્સ ના તાળાં તૂટયાં છે તથા જ્યાં જ્યાં થોડી વાર માટે પાવર સપ્લાય બંધ થતાં સીસીટીવી કેમેરા, ડીસ્પલે બંધ થયા ત્યારે ધ્યાનમાં આવ્યું કે બેટરી ચોરાઇ છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આગળ એના માટે તંત્ર દ્વારા વધુ સારી સુરક્ષા અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે.
અમીતભાઇ ભટ્ટ -અધિકારી- આઇટી વિભાગ, વડોદરા મહાનગરપાલિકા
