Vadodara

શક્તિપુરા ગ્રામ પંચાયતના બિલ નહીં નીકળતા તાલુકા પંચાયત ખાતે હલ્લાબોલ


કાલોલ:
કાલોલ તાલુકાના શક્તિપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બાલાઈ દ્વારા આજરોજ કાલોલ તાલુકા પંચાયતના બાંધકામ વિભાગમાં પોતાની પંચાયતનું બિલ મંજૂર નહીં કરતા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સરપંચનો દાવો છે કે પોતાની પંચાયતમાં આવેલી નેવરિયા વાસાહતમાં ત્રણ વર્ષથી કોઈ કામ કરવામાં આવતું નથી. પોતાની પંચાયતમાં 40 લાખ રૂપિયા જેટલું જમા બેલેન્સ છે. તેમ છતાં પણ કોઈ વિકાસના કામો જાણી જોઈને કરવામાં આવતા નથી. પોતે મધ્યપ્રદેશના વિસ્થાપિત છે અને સરપંચ બન્યા છે. તે કારણે તેઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. એક લાખનું કામ કર્યું છે. જેના પૈસા ચૂકવવામાં આવતા નથી અને તે પેટે 32000 આપીશું તેમ કહે છે. 32,000ની રકમ ટીડીઓએ મંજૂર કરી છે તેમ છતાં પણ પેમેન્ટ કરવામાં આવતું નથી. નેટવર્ક નથી આવતું, પાનકાર્ડ નથી તેવા ખોટા બહાના કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે અને 15 દિવસથી ધક્કા ખવડાવવામાં આવે છે. તેથી નારાજ થઈને સરપંચે આજરોજ તાલુકા પંચાયતની બાંધકામ શાખામાં બોલાચાલી કરી હતી અને રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top