Vadodara

વ્રજધામ સંકુલ ખાતે શ્રાવણી સત્સંગમાં યમુનાષ્ટકના બીજા શ્લોકના ચિંતનનો આરંભ

કલીના દોષને કાલિન્દીની ભક્તિ જ દૂર કરે છે: પૂ. શ્રી વ્રજરાજકુમારજ..

વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં શ્રાવણી સત્સંગ ચાલી રહ્યો છે. જેમાં યમુનાષ્ટકના આઠ અષ્ટક પૈકી બીજા શ્લોક પર સત્સંગીઓને ચિંતનાત્મક સમજ આપવાની શરૂઆત થઈ છે.

માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં
વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયે ષોડષ ગ્રંથ શ્રી વલ્લભ ગીતાના પ્રથમ ગ્રંથ શ્રી યમુનાષ્ટકના દ્વિતીય શ્લોકની સમજ આપતા કહ્યું હતું કે મહારાણી યમુનાજીના બે પિતા છે. એક સૂર્ય અને બીજા કલિન્દ પર્વત. યમુનાજીના ચાર નામ મુખ્ય છે. કાલિન્દી, શ્રી યમુનાજી, કૃષ્ણા અને માધુરી.

કલિન્દ પર્વત પરથી પધારેલા હોવાથી કાલિન્દી નામે પ્રખ્યાત થયા. કલિન્દકી પુત્રી કાલિન્દીની કૃપાથી કળિયુગના તમામ દોષનો નાશ થતો હોય છે. ભગવત કૃપા પણ તેમની જ દયાથી પ્રાપ્ત થતી હોય છે અને કલેશ દૂર થતા હોય છે તે માટે કાલિન્દીના આશ્રયમાં જવું જરૂરી છે.
કળિયુગમાં માયા ઈશ્વર સ્મરણ, ધ્યાન, હરિ ભક્તિ, હરિ નામ સંકીર્તનથી દૂર કરે છે. ત્યારે કાલિન્દીની કૃપાથી તમામ દોષ દૂર થતા પુનઃ હરિ સાથે મિલન થતું હોય છે.
જેમ કોમ્પ્યુટરમાં વાયરસ આવે ત્યારે એન્ટિવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ કરાવવું પડતું હોય છે તે જ રીતે યમુનાષ્ટક પણ હરિ અને ભક્ત વચ્ચે આવતા વાયરસને દૂર કરતું એક સોફ્ટવેર હોવાનું દ્રષ્ટાંત આપી પૂજ્યશ્રીએ યમુનાષ્ટક પઠનનો મહિમા સમજાવ્યો હતો.

શ્રી યમુના મહારાણી લૌકિક અને અલૌકિક બંને સીધી પ્રદાન કરે છે.
શ્રી યમુના મહારાણીના શનિદેવ અને યમરાજ બે ભાઈઓ છે. બેન યમુનાજીના ભક્તોને આ બંને ભાઈઓની કૃપા મળી જતી હોય છે.
તપન તનૈયા તાપ શમન કરે તે મહારાણી યમુના પ્રભુના દક્ષિણ ભાગમાંથી પ્રગટ થયા હોવાથી તેનો મહિમા અપરંપાર છે.

પુષ્ટિ માર્ગમાં સૂર્યનારાયણની પૂજાનું મહાત્મ્ય સમજાવતા પૂજ્યશ્રીએ કહ્યું હતું કે સૂર્યદેવમાં નારાયણ સમાયેલા છે. અને નારાયણમાં શ્રી યમુના મહારાણી વસે છે. એટલે સૂર્યની પૂજા કરતા કરતા યમુનાજીના દર્શન થઈ જતા જ હોય છે.

ભગવાન શ્રીકૃષ્ણએ વસ્ત્ર અને શૃંગાર પ્રદાન કર્યા હોવાથી શ્રી યમુના મહારાણીનું ત્રીજું નામ કૃષ્ણા છે.
કૃષ્ણ અને ક્રિષ્ણ ભાવિકો બંને નામથી પ્રભુનું સ્મરણ કરતા હોય છે. અને કૃષ્ણ એ જ ક્રિષ્ણા અર્થાત યમુનાજી.

શ્રી મહારાણી યમુનાજીનું ચતુર્થ નામ છે માધુરી. શ્રી કૃષ્ણ કહે છે મેં મધુર મેરી રાધા હે મધુરા, ઔર મેરી લીલાકી સંયોજન કરનેવાલી યમુનાજી માધુરી.
મધુર એટલે કૃષ્ણ અને મધુરા એટલે રાધા અને બંનેમાં સમાયેલી છે માધુરી.
નારદજી ઠાકોરજીના મનને જાણે છે. જ્યારે યમુનાજી પ્રભુના હૈયાને જાણે છે. શ્રી યમુનાજી પ્રભુજીને પામવાનું માધ્યમ છે. એમ સમજાવી ભાવિકજનોને પૂજ્યશ્રીએ સેવાકિય પ્રવૃત્તિમાં જોડાયેલા સહુ વૈષ્ણવજનોને બિરદાવી કથામૃતનું રસપાન કરવા ઉપસ્થિતોને આશીર્વાદ આપ્યા હતા.

અમૃત વાક્યો

કળિયુગમાં કાલિન્દીની કૃપા અતિ આવશ્યક છે

બહિર્મુખી ચિત્તને પ્રભુ ચિત બનાવે તે કાલિન્દી

બ્રહ્મસંબંધ પછી તમામ દોષ દૂર થઈ જાય છે

આફતમાં સેવાકિય પ્રવૃત્તિમાં જોડાનારને પ્રભુ હંમેશા હૃદયમાં રાખે છે

ગોવિંદથી મિલાપ કરાવે છે મહારાણી યમુના

Most Popular

To Top