Vadodara

વ્યાજખોર ફૂલબાજે સહિતના આરોપીઓનો મોબાઇલ ચાલુ હોવા છતાં કેમ પકડાતા નથી ?

રેસ્ટોરન્ટના વેપારી પાસેથી રૂ.6 લાખ સામે 15 લાખ વસૂલ્યા છતાં નાણાની ઉઘરાણી કરતા 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો, પોલીસની શંકાસ્પદ ભૂમિકા

પ્રતિનિધિ વડોદરા તા.15

ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારીએ વ્યાજખોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવ્યાને ત્રણ દિવસનો સમય થઇ ગયો હોવા છતાં પોલીસે હજુ આરોપીઓને કેમ પકડ્યા નથી. સવાલ એ થાય છે કે આરોપીઓનો મોબાઇલ ચાલુ હોવા છતાં આરોપીઓ પોલીસના હાથમાં કેમ આવતા નથી ,જેને લઇને પોલીસની કામગીરી સામે શંકા ઉભી થઇ રહી છે.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા આર્યા ગોવર્ધન-2માં રહેતા લુણીરાજ અરુણ પવારે વર્ષ 2017માં વાસણા-ભાયલી રોડ ખાતે મરાઠા કટ્ટા નામની રેસ્ટોરંટ ચલાવતો હતો. કોરોના કાળ દરમ્યાન રેસ્ટોરંટમાં નુકશાન થવાથી વર્ષ 2020માં વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે પાસેથી 6 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જે રકમ વ્યાજ સહિતના 15 લાખ તેમની પાસેથી વસૂલ કરી લીધી હોવા છતાં વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે સહિતના તેમના મળતીયાઓ વારંવાર વેપારીના ફોન પર ફોન કરી તથા તેમના ઘરે આવીને વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા. વેપારીએ તેમને વ્યાજે લીધેલા રૂપિયા કરતા વધારે રૂપિયા ચુકવી દીધા હોવા છતાં કેમ રૂપિયાની માગણી કરો છે તેવું કહેતા વ્યાજખોર સહિતની ટોળકીએ તેમની પાસેથી સિક્યુરિટી પેટે લીધેલા ચેક બાઉન્સ કરાવી દેવાની, ખોટા કેસમાં ફસાવવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ અવાર નવાર ધમકી આપતા રહેતા હતા. રૂપિયા વસુલી લીધા હોવા છતાં બન્ને ચેકો બાઉન્સ પણ કરાવ્યા હતા. કંટાળીને વેપારીએ વ્યાજખોરના ખપ્પરમાંથી બહાર આવવા માટે ગોત્રી પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા અને ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઘનશ્યામ ફુલબાજે, ક્રિષ્ણા ભિખા કહાર, કીરણ રમેશ માંછી, સન્ની કમલેશ ધોબી, નરેંદ્ર જગમોહન અને શીતલબેન ઠાકુર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વ્યાજખોર સહિતના મળતીયાઓ ઘટનાને ત્રણ દિવસ થયા હોવા છતાં પોલીસના હાથમાં કેમ આવ્યા નથી. વ્યાજખોર સહિતના આરોપીઓનો મોબાઇલ ચાલુ હોવા છતાં કેમ પોલીસથી નંબર ટ્રેસ થતો નથી તે બાબતે પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ છે.

Most Popular

To Top