જોહુકમીથી સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ
જબરજસ્તીથી નાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી ઉચ્ચારી


( પ્રતિનિધી )વડોદરા,તા.7
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચતા જ સ્થાનિક લોકો સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી. જોકે સ્થાનિક લોકોએ કામગીરી અટકાવી જો અહીં સ્માર્ટ મીટર લગાવવામાં આવશેતો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વડોદરા શહેરમાં શરૂઆતથી જ વિવાદમાં રહેલા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જ અકોટા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટરના કારણે વધુ બીલ આવતું હોવાના આક્ષેપ સાથે લોકોએ વીજ કંપનીની મુખ્ય કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો. તેવામાં આજે પાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 8 માં સમાવિષ્ટ સર્વેશ્વર ફ્લેટમાં જીઇબીના કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. જોકે સ્થાનિકોને માલુમ પડતાં જ સ્માર્ટ વીજ મીટર લગાવવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા કે, જીઈબીના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા. આ ફ્લેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રહે છે અને જોહુકુમી કરીને સ્માર્ટ મીટર નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ફરજિયાત આ મીટર નાખવું જ પડશે. પણ તમે જે ડિજિટલ મીટર લગાવ્યા છે એની વેલીડીટી 15-20 વર્ષની છે. જે હજી વેલીડીટી પૂરી નથી થઈ, તો પછી શાની માટે આ સ્માર્ટ મીટર લગાવો છો અને એટલા જ સ્માર્ટ મીટર લગાવવાના શોખ હોય તો ધારાસભ્ય, સાંસદ , કોર્પોરેટરો આ બધાની ત્યાં લગાવવા જાઓ તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર લગાવાય. આ હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને અહીંયા જે સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે. એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને દાદાગીરીથી તાનાશાહીથી સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.