Vadodara

વોર્ડ 18માં ડિવાઇડર પર ચૂનો લગાવતા વિવાદ, રહીશોએ કામની ગુણવતા પર ઉઠાવ્યા પ્રશ્નો

ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સ પાસે ચાલી રહેલી કામગીરી હલકી ગુણવત્તાની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વડોદરા શહેરના રસ્તાઓને વધુ સલામત બનાવવાના ઉદ્દેશથી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાજેતરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટના વ્હાઇટ પટ્ટા, ડીવાઈડર પર રંગ અને રિફ્લેક્ટર લગાવવા અંગેના આદેશ આપ્યા હતા. આ આધારે હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા સુરક્ષિત બનાવવાના હેતુથી કામગીરી શરૂ કરવામાં આવી છે. તે અનુસંધાને મંગળવારે રાત્રે શહેરના વોર્ડ નંબર 18 વિસ્તારમાં આવેલા ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સ પાસે એક ડીવાઈડર પર રંગની કામગીરી કરવામાં આવી રહી હતી. વોર્ડના અધિકારીઓના નિર્દેશ મુજબ કામ શરૂ થયું હતું, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા આ કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠાવતાં વિવાદ ઊભો થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિકોએ એ મુદ્દો ઉઠાવ્યો કે રંગાણની કામગીરી ખૂબ હલકી અને કચાશભરી છે. આવું કામ એક જ વરસાદમાં ઉખડી જશે અને મૂળ હેતુ પર પાણી ફરી વળશે. રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટના પટ્ટા અને ડીવાઈડર પર રંગ ચોટાડવાનો ઉદ્દેશ માત્ર સૌંદર્ય નહીં પરંતુ રાત્રિના સમયે વિઝિબિલિટી વધારવાનો અને અકસ્માત રોકવાનો છે. પરંતુ જો આ કામગીરીમાં યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ ન થાય તો ભવિષ્યમાં ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ શકે છે. વધુમાં સ્થાનિકોનો એવો પણ આક્ષેપ હતો કે, ઇજારદાર દ્વારા રંગની જગ્યાએ ચૂનો ચોપડી દેવાયો. ત્યારે ઇજારદાર દ્વારા આવી બેદરકારી દાખવવી એ ખૂબ જ ગંભીર બાબત છે.

સ્થાનિકોના આક્ષેપો બાદ ત્યાં હાજર ઈજારદારના કર્મચારીઓ અને રહીશો વચ્ચે જીભાજોડી પણ જોવા મળી હતી. સ્થિતિ તંગ બનતાં ઈજારદારના લોકો કામ અધૂરૂં છોડી સ્થળ પરથી જતા રહ્યાં હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે અને કામગીરીની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગ ઉઠી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ મળીને ગુણવત્તા સાથે છેડાછાડ કરી રહ્યા છે. શહેરવાસીઓની સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે.

Most Popular

To Top